આજથી ગુજરાતમાં ગૌવંશની કતલ પરનો પ્રતિબંધ અમલમાં

24 October, 2011 08:06 PM IST  | 

આજથી ગુજરાતમાં ગૌવંશની કતલ પરનો પ્રતિબંધ અમલમાં



ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન જયનારાયણ વ્યાસે કહ્યું હતું કે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકાર આ કાનૂનનો કડક અમલ કરવા પ્રતિબદ્ધ છે અને કાનૂનનો અમલ કરવા નિયમો પણ બનાવ્યા છે, જે ધનતેરસથી અમલમાં આવશે.

ગુજરાતમાં ગૌવંશની કતલ કે ગેરકાયદે હેરફેર, ગૌમાંસ કે એની બનાવટોનું વેચાણ અને ખરીદી કરવા સામે પણ પ્રતિબંધ મૂકતો ગુજરાત પશુસંરક્ષણ અધિનિયમ (સુધારા) -૨૦૧૧ કાયદો સપ્ટેમ્બર મહિનામાં મળેલા વિધાનસભા સત્રમાં પસાર કરવામાં આવ્યો હતો અને એનો અમલ ૨૪ ઑક્ટોબરે ધનતેરસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં કરવામાં આવશે.

સજાની જોગવાઈ શું?

ગૌવંશની કતલ કે ગેરકાયદે હેરફેર માટેના આ કાનૂનનો અમલ થતાં ગૌવંશનો વધ કે એનો ગુનો કરનારને ૭ વર્ષ સુધીની સજા તથા ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગૌમાંસ કે એની બનાવટો વેચી, રાખીને એનો સંગ્રહ કે હેરફેર કરશે તો કાનૂન હેઠળ તે સજાને પાત્ર છે. આવા ગુના માટે ઉપયોગમાં લેવાયેલું વાહન પણ જપ્ત કરવામાં આવશે. આ કાનૂન હેઠળ કોઈ વ્યક્તિ જેની કતલ માટે પ્રમાણપત્ર જરૂરી હોવાથી એવા કોઈ પણ ગૌવંશની કતલ કરશે અને દોષી ઠરે તો તેને એક વર્ષની કેદ અને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ થશે