ગુજરાતના ગિરનારમાં આટલી ભીડ કેમ?

24 November, 2012 05:54 AM IST  | 

ગુજરાતના ગિરનારમાં આટલી ભીડ કેમ?




આજથી જૂનાગઢના ગિરનાર પર્વતની ફરતે થતી લીલી પરિક્રમા શરૂ થઈ રહી છે, જે બુધવાર સુધી ચાલશે, પણ હકીકત એ છે કે આ પરિક્રમા ભાવિકોએ બુધવારથી જ શરૂ કરી દીધી છે અને આજથી સત્તાવાર રીતે જ્યારે ભાવિકો જંગલમાં જવાનું શરૂ કરી રહ્યા છે ત્યારે આ ભાવિકો પોતાની પરિક્રમા પૂરી કરીને બહાર આવી ગયા છે. બુધવારથી શરૂ થઈ ગયેલી આ અનઑફિશ્યલ પરિક્રમામાં ચાર દિવસ દરમ્યાન એક લાખથી વધુ ભાવિકોએ લાભ લઈ લીધો છે. એવી ધારણા મૂકવામાં આવે છે કે આ વર્ષે ચાર લાખથી વધુ ભાવિકો લીલી પરિક્રમામાં ભાગ લેશે.


લીલી પરિક્રમાનું આયોજન છેલ્લાં ૧૦૦ વર્ષથી સાધુ સમાજ દ્વારા કરવામાં આવતું હતું, પણ ભાવિકોની ભીડ દર વર્ષે અકલ્પનીય વધી રહી હોવાથી જૂનાગઢના કલેક્ટરની સૂચનાથી યોજવામાં આવેલી આ લીલી પરિક્રમાના રૂટ પર આ વખતે પહેલી વખત ક્લોઝ્ડ-સર્કિટ કૅમેરા મૂકવામાં આવ્યા છે. જૂનાગઢના ડેપ્યુટી કલેક્ટર જી. એચ. પટેલે કહ્યું હતું કે ‘સિક્યૉરિટી પર્પઝથી આ સ્ટેપ લેવામાં આવ્યું છે. સિક્યૉરિટી માટે અમે આ વખતે પરિક્રમાના માર્ગ પર પોલીસ અને એસઆરપી પણ વધારી છે. અગાઉ પરિક્રમા દરમ્યાન ચારસો જવાન તહેનાત રહેતા, આ વર્ષે એક હજાર પોલીસ મૂકવામાં આવ્યા છે.’

પોલીસ વધી, પાણીના પૉઇન્ટ ઘટ્યા...


પરિક્રમા દરમ્યાન સિક્યૉરિટી માટે પોલીસ વધારવામાં આવી છે, પણ પરિક્રમાના રૂટ પર પાણીના પૉઇન્ટ દર વર્ષ કરતાં આ વર્ષે ઘટાડો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે રૂટ પર ૨૫૦ પાણીના પૉઇન્ટ બનાવવામાં આવ્યા હતા, જ્યારે આ વર્ષે માત્ર ૧૬૦ પૉઇન્ટ બનાવવામાં આવ્યા છે. જૂનાગઢમાં પાણીની તંગી હોવાને કારણે આ વખતે વૉટર-પૉઇન્ટનો ઘટાડવો કરવામાં આવ્યો છે. જોકે ગુજરાત સરકારનું કહેવું છે કે પાણીનો વેડફાટ ન થાય એ હેતુથી વોટર પૉઇન્ટ ઘટાડવામાં આવ્યા છે.

રેકૉર્ડ બ્રેક ભીડ: ગિરનારની પ્રસિદ્ધ લીલી પરિક્રમા માટે ટ્રેનો ભરીને લોકો જૂનાગઢમાં ઠલવાઈ રહ્યા છે.


તસવીરો : હરેશ સોની