18 October, 2023 11:32 AM IST | Mumbai | Shailesh Nayak
ફાઈલ ફોટો
અમદાવાદ ઃ ગુજરાતમાં ભક્તિભાવ અને રંગેચંગે ઉત્સાહપૂર્ણ માહોલમાં નવરાત્રિ પર્વનો આરંભ થયો છે ત્યારે હવે ગુજરાતના ખેલૈયાઓ મન મૂકીને મોડી રાત સુધી ગરબે ઘૂમી શકશે. આ મુદ્દે ગુજરાત સરકારે ઑફિશ્યલી જાહેરાત કરી નથી, પણ પોલીસને મૌખિક સૂચના અપાઈ છે કે
ખેલૈયાઓને ખલેલ ન પહોંચે એ રીતે ગરબા રમવા દેવા. બીજી તરફ નવરાત્રિ પર્વને લઈને અમદાવાદમાં નવરાત્રિ દરમ્યાન મેટ્રો રેલ મોડી રાત સુધી દોડશે.
ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગઈ કાલે સમયનો ફોડ પાડ્યા વગર મોઘમમાં મીડિયાને કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાનની સૂચનથી પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે કે ગરબે રમનાર લોકોને, ખેલૈયાઓને ખલેલ ન પહોંચે, નવરાત્રિનો આનંદ સૌકોઈ લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરે.’
બીજી તરફ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સવારે ૬–૨૦ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલતી હોય છે, પરંતુ
નવરાત્રિના ઉત્સવને લઈને નવરાત્રિ દરમ્યાન મેટ્રો ટ્રેન સવારે ૬-૨૦ વાગ્યાથી રાતે બે વાગ્યા સુધી દોડાવવા ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશને નિર્ણય કર્યો છે.