ગુજરાતનું સૌથી ઠંડું શહેર ગાંધીનગર

29 December, 2018 08:09 AM IST  |  ગાંધીનગર | રશ્મિન શાહ

ગુજરાતનું સૌથી ઠંડું શહેર ગાંધીનગર

ગુજરાતમાં શરૂ થયેલી કોલ્ડ-વેવની અસર દિવસે-દિવસે ગુજરાતમાં તીવ્ર થતી જાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને કાશ્મીરથી આવતા સીધા પવનને કારણે ગુજરાતમાં શરૂ થયેલી કોલ્ડ-વેવના આ બીજા રાઉન્ડ માટે ગઈ કાલે ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે ઠંડી હજી પણ વધશે, જે નવા વર્ષના પહેલા વીક દરમ્યાન ઉત્તરોતર ઘટવાની શરૂ થશે. ઠંડીના આ સેકન્ડ રાઉન્ડની સૌથી મોટી વાત જો કોઈ હોય તો એ કે ગુજરાતમાં માત્ર રાતે જ નહીં, દિવસ દરમ્યાન પણ ઠાર પડવો શરૂ થઈ ગયો છે જેને લીધે દિવસ દરમ્યાન પણ ઠંડીની તીવ્ર અસર દેખાય છે.

ગઈ કાલે ગુજરાતનું સૌથી ઠંડું શહેર ગાંધીનગર રહ્યું હતું. ગાંધીનગરનું લઘુતમ તાપમાન ૬.૧ ડિગ્રી નોંધાયું હતું. સામાન્ય રીતે નલિયા અને ડીસામાં સૌથી વધારે ઠંડી પડતી હોય છે, પણ ગાંધીનગર જાણે કે સીધી કૉમ્પિટિશન કરતું હોય એમ ગઈ કાલે સૌથી વધારે ઠંડી ગાંધીનગરમાં પડી હતી, જ્યારે નલિયામાં ૬.૪ ડિગ્રી અને ડીસામાં ૭.૭ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતનાં અન્ય શહેરોની વાત કરીએ તો ગઈ કાલે અમરેલીમાં ૭.૯ ડિગ્રી, દીવમાં ૮.૧ ડિગ્રી, વલસાડમાં ૮.૫ ડિગ્રી, મહુવામાં ૮.૯ ડિગ્રી, વડોદરામાં ૯.૨ ડિગ્રી, રાજકોટમાં ૯.૭ ડિગ્રી, અમદાવાદમાં ૯.૮ ડિગ્રી, ભુજમાં ૧૧.૨ ડિગ્રી અને સુરતમાં ૧૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

 કાશ્મીર ઠંડુંગાર: કારગિલ માઇનસ ૧૬.૨

 જમ્મુ-કાશ્મીરમાં ઠંડીનો ચમકારો વધુ તેજ બની રહ્યો છે. મોટા ભાગના વિસ્તારોમાં પારો નીચો ઊતરીને માઇનસમાં નોંધાઈ રહ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના કારગિલમાં ગઈ કાલે સૌથી વધુ ઠંડી સાથે તાપમાનનો પારો માઇનસ ૧૬.૨ ડિગ્રી સેલ્સિયસ જેટલો નીચો ઊતરી ગયો હતો. 

 આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે ઠંડીની આગાહી

 સ્થળ           તાપમાન (ડિગ્રી સેલ્સિયસમાં)

 શ્રીનગર        માઇનસ  ૭.૭

 કાઝીગઢ       માઇનસ ૬.૭

 કોકેરનાગ      માઇનસ ૫.૫

 કુપવાડા       માઇનસ ૬.૩

 પહલગામ     માઇનસ ૯.૫

 ગુલમર્ગ        માઇનસ ૯.૩

 લેહ            માઇનસ ૧૫.૧