મોટર વેહિકલ ઍક્ટનો નવો કાયદો લાગુ કરાવવા સીએમ અધિકારીઓ સાથે મંથન કરશે

06 September, 2019 08:50 AM IST  |  ગાંધીનગર

મોટર વેહિકલ ઍક્ટનો નવો કાયદો લાગુ કરાવવા સીએમ અધિકારીઓ સાથે મંથન કરશે

મોટર વેહિકલ ઍક્ટ

દેશમાં મોટર વેહિકલ ઍક્ટનો નવો કાયદો લાગુ થયો છે. આ કાયદામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ભારે દંડ અને સજાની જોગવાઈઓ છે. દિલ્હીમાં કેટલાક વાહનચાલકો અને ટ્રકચાલકને હજારો રૂપિયાનો દંડ થયો છે. આ ઘટના બાદ દેશમાં આકરો વિરોધ સામે આવી રહ્યો છે. જોકે ગુજરાત રાજ્યમાં હજી આ કાયદાનું અમલીકરણ બાકી છે. આજ રોજ મુખ્ય પ્રધાન રૂપાણી રાજ્યના અધિકારીઓ સાથે આ મામલે મંથન કરશે.

રાજ્યમાં નવા મોટર વેહિકલ ઍક્ટનું અમલીકરણ કેવી રીતે કરાવવું અને એની તૈયારીઓ અંગે સીએમ રૂપાણી વાહનવ્યવહાર વિભાગ, ગૃહ વિભાગના અધિકારીઓની ઉપસ્થિત‌િમાં મંથન કરશે. આ કાયદાનો સોશ્યલ મીડિયામાં ૨૪ કલાકથી ખૂબ વિરોધ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવનાં ચાર કરોડ શ્રદ્ધાળુઓએ ડિજિટલ દર્શન કર્યાં

ગઈ કાલે આ મામલે દિલ્હીમાં રાજકારણ પણ ગરમાયું છે. દિલ્હીની નજીક આવેલા ગુરુગ્રામમાં એક ટ્રકચાલકને જુદા-જુદા નિયમોના ભંગ બદલ ૫૯,૦૦૦ રૂપિયાનો દંડ થયો છે, જ્યારે દિલ્હીમાં એક સ્કૂટીચાલકને ૨૩ હજારનો દંડ થયો હતો. સ્કૂટીચાલકનો મામલો દેશમાં સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો છે. આ મામલે સ્કૂટીચાલકે પોતાના વાહનની કિંમત ૧૫,૦૦૦ રૂપિયા જ હોવાનું જણાવ્યું હતું, જ્યારે તેને ૨૩ હજાર રૂપિયાનો દંડ થયો હોવાથી તે વાહન મૂકીને જતો રહ્યો હતો.

gujarat gandhinagar Vijay Rupani