ડેન્ગીના બોગસ રિપોર્ટની ઘટનાથી સ્વાસ્થ્ય વિભાગમાં હલચલ

12 November, 2019 08:47 AM IST  |  Gandhinagar

ડેન્ગીના બોગસ રિપોર્ટની ઘટનાથી સ્વાસ્થ્ય વિભાગમાં હલચલ

પ્રતીકાત્મક તસવીર

વડોદરાની એક ઑડિયો ક્લિપે રાજ્યના સ્વાસ્થ્ય જગતમાં હાહાકાર મચાવ્યો છે. વડોદરાની સ્વરા પેથોલૉજી લૅબ દ્વારા ડૉક્ટરને કહે એવો ડેન્ગીનો બોગસ રિપોર્ટ તૈયાર કરી આપવાની ઑફર બાદ રાજ્યનો સ્વાસ્થ્ય વિભાગ હચમચી ગયો છે. રાજ્ય સરકારે આ મામલે સમગ્ર રાજ્યમાં તપાસના આદેશ આપ્યા છે અને જે લૅબ આવા ગોરખ ધંધામાં ઝડપાય એને સીલ કરવાનો આદેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આ મામલે ગંભીર છે અને કસૂરવારો પર કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
દરમ્યાન રાજ્ય સરકારે આપેલી સૂચના અંતર્ગત વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખી અને સ્વરા લૅબને સીલ માર્યું છે. લૅબ પર કાર્યવાહી એ કથિત ઑડિયો ક્લિપના આધારે કરવામાં આવી છે જેમાં દર્દીઓ પાસેથી ખોટી રીતે નાણાં પડાવવામાં આવતા હોવાની વાત કરવામાં આવી છે. આ માટે લૅબકર્મી ડૉક્ટરને ઑફર આપે છે. લૅબકર્મી તબીબને કહે છે કે દર્દીનો જેવો રિપોર્ટ બનાવવો હશે એવો બની જશે. દર્દીનો ખોટો રિપોર્ટ આપવા બદલ લૅબકર્મી તબીબને ૪૦ ટકા રકમ આપવાની ઑફર કરે છે, જ્યારે ૬૦ ટકા રકમ ડૉક્ટરે લૅબને આપવાની રહેશે.

સરકારે રાજ્યના તમામ જિલ્લાના સ્વાસ્થ્ય અધિકારીઓની તેમના જિલ્લામાં આ પ્રકારનો ગોરખ ધંધો ચાલતો હોય તો એની તપાસ કરવાની સૂચના આપી છે. સરકારની સૂચના મુજબ જો કોઈ લૅબ ઝડપાશે તો એનું લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

vadodara gandhinagar dengue gujarat