31 જુલાઈ સુધીમાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જા‍શે નહીં : રૂપાણી

01 May, 2019 07:52 AM IST  |  ગાંધીનગર | (જી.એન.એસ.)

31 જુલાઈ સુધીમાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જા‍શે નહીં : રૂપાણી

વિજય રૂપાણી

ગુજરાતમાં સર્જા‍યેલી જળકટોકટી અને ઘાસચારાને લઈને મંગળવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રિવ્યુ બેઠક યોજ્યા બાદ પત્રકાર-પરિષદ કરી હતી. એ દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે હું ગુજરાતની જનતાને વિશ્વાસ અપાવવા માગું છું કે ૩૧ જુલાઈ સુધીમાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જા‍શે નહીં. જોકે મુખ્ય પ્રધાને પીવાના પાણીની એવી સ્પક્ટતા કરી હતી, પરંતુ નાહવા કે કપડાં ધોવા માટે ઘરવપરાશનું પાણી ક્યાંથી આવશે એ અંગે કશું કહ્યું નહોતું.

મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ચૂંટણી પછી આચારસંહિતા દૂર થતાં રાજ્યમાં ગરમી વધવાને કારણે પાણી અને ઘાસચારાની સ્થિતિ અંગે રિવ્યુ બેઠક મળી હતી. જો આપણી પાસે નર્મદાનું નેટવર્ક ન હોત તો સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની ગંભીર સ્થિતિ સર્જા‍ઈ હોત. આ નેટવર્કની મદદથી આપણે રાજ્યમાં છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચાડ્યું છે. આપણે આજી ડૅમ (રાજકોટ), રણજિત સાગર ડૅમ (જામનગર) અને મચ્છુ ડૅમ બે-બે વાર ભર્યા છે તેમ જ હજી પણ જરૂર પડશે ત્યાં ડૅમ ભરીને પાણી પહોંચાડીશું. કચ્છમાં કૅટલ કૅમ્પને ઘાસચારો પહોંચાડ્યો છે.

આ પણ વાંચો : નારાયણ સાંઈને થઈ આજીવન કેદની સજા

રિવ્યુ બેઠક બાદ પાણીપુરવઠા વિભાગના અગ્ર સચિવ જે. પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં માત્ર ૧૦ ટકા જ પાણીનો જથ્થો છે. કચ્છમાં માત્ર બે ટકા જ પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રમાં માત્ર ૧૦ ટકા જ પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રમાં બ્રાંચ કનૅલ મારફત પાણીનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં નર્મદા ડૅમમાંથી સૌરાષ્ટ્ર કનૅલમાં પાણી મોકલવાનો પ્લાન છે.

gandhinagar Vijay Rupani gujarat