બે વર્ષમાં 11 હજાર હેલ્થ ઍન્ડ વેલનેસ સેન્ટર વિકસિત કરાશેઃ નીતિન પટેલ

24 September, 2019 09:34 AM IST  |  ગાંધીનગર

બે વર્ષમાં 11 હજાર હેલ્થ ઍન્ડ વેલનેસ સેન્ટર વિકસિત કરાશેઃ નીતિન પટેલ

નીતિન પટેલ

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજનાને એક વર્ષ પૂર્ણ થતા સોમવારે ગાંધીનગર ખાતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની હાજરીમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧૦૮ અને ખિલખિલાટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ટાઉનહૉલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ નીતિન પટેલે પીએમ નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસને યાદ કરતાં હળવી શૈલીમાં કહ્યું હતું કે પીએમને હવે ભારત નાનું પડે છે. તેઓ હવે શક્તિશાળી મિત્રો બનાવી રહ્યા છે. મિત્રો જ શક્તિશાળી હોય તો દુશ્મનો સામે લડવામાં કામ લાગે છે.

નાયબ મુખ્ય પ્રધાન પટેલે કહ્યું કે રાજ્યના નાગરિકોને સત્વરે સારવાર મળી રહે એ માટે ઓપીડીના સમય દરમિયાન એટલે કે વર્કિંગ ટાઇમ દરમિયાન રાજ્યભરમાં ડૉક્ટરોને લગતા કોઈ પણ સેમિનારનું આયોજન કરાશે નહીં તથા રાજ્યભરમાં આગામી બે વર્ષમાં ૧૧ હજારથી વધુ હેલ્થ વેલનેસ સેન્ટર પણ વિકસિત કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. નીતિન પટેલે ઉમેર્યું કે માનસિક આરોગ્યની બીમારી વિશે જાગૃતિના અભાવે તથા દરદીઓ બીમારીની સારવાર માટે આગળ આવતા નથી ત્યારે તેમને સમયસર માર્ગદર્શન મળી રહે એ માટે પણ દેશમાં ગુજરાતે પહેલ કરીને સુસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન ૧૦૪ કાર્યાન્વિત કરી છે, જેના દ્વારા મનોવ્યથિત લોકોને ૨૪ કલાક કાઉન્સેલિંગની સારવાર મળી રહેશે. જે માટે નૅશનલ બૅડ્મિન્ટન ચૅમ્પિયન કુમારી પી.વી. સિંધુને બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવી છે જે આપઘાત અટકાવવાના પ્રયાસો કરશે.

કૉન્ગ્રેસી ધારાસભ્યોની હાજરીથી અનેક તર્ક-વિતર્ક

આ કાર્યક્રમમાં આશ્ચર્યની વાત એ છે કે સરકારી કાર્યક્રમમા કૉન્ગ્રેસના બે ધારાસભ્યો પણ હાજર રહેતાં અનેક તર્કવિતર્કો શરૂ થયા છે જેમાં સૌથી વધુ નોંધ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી. જે. ચાવડા હાજર રહ્યા એની લેવાઈ છે, કારણ કે સી. જે. ચાવડા ગઈ લોકસભામાં ગાંધીનગરની બેઠક પરથી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધમાં ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.

આ પણ વાંચો : વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણી માટે બીજેપીમાં ધમધમાટ આજે પાર્લમેન્ટરી બોર્ડની બેઠક

સી. જે. ચાવડા ઉપરાંત કચ્છના અબડાસાની બેઠક પરથી કૉન્ગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતેલા પ્રદ્યુમનસિંહ જાડેજા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. આ અગાઉ ગાંધીનગરમાં યોજાયેલા અન્ય એક સરકારી કાર્યક્રમમાં પણ પ્રદ્યુમનસિંહ હાજર રહ્યા હતા. એ સમયે મીડિયાના પ્રશ્નોના જવાબમાં પ્રદ્યુમનસિંહે સ્પષ્ટતા કરી હતી કે મને સરકાર તરફથી આમંત્રણ મળે છે અને જો સરકારી કાર્યક્રમ લોકો માટે ઉપયોગી હોય તો હું હાજર રહું છું એનો અર્થ એવો નથી કે હું બીજેપીમાં જોડાઈ રહ્યો છું. લોકોને કે કૉન્ગ્રેસના નેતાઓને જે સમજવું હોય એ સમજે.

gandhinagar Nitin Patel gujarat