કચ્છના ગાંધીધામમાં આંગડિયા પેઢીમાંથી એક કરોડની લૂંટ

23 May, 2023 11:22 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ચાર શખ્સોએ હેલ્મેટ પહેરી હાથમાં રિવૉલ્વર જેવા હથિયાર સાથે પેઢીમાં ધસી આવી લૂંટ ચલાવી : સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી

લૂંટની સીસીટીવી ફુટેજ

કચ્છના વેપારી મથક સમા ગાંધીધામમાં ગઈ કાલે ભરબપોરે આંગડિયા પેઢીમાંથી એક કરોડની લૂંટ થતાં ચકચાર મચી ગઈ હતી. ચાર શખ્સો હેલ્મેટ પહેરીને અને હાથમાં રિવૉલ્વર જેવા હથિયાર સાથે પેઢીમાં ધસી આવીને લૂંટ ચલાવી હતી અને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને સીસીટીવીના આધારે લુંટારાઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

કચ્છના ગાંધીધામમાં ખન્ના માર્કેટ રોડ પર આવેલી પી. એમ. એન્ટરપ્રાઇઝ નામની જૂની આંગડિયા પેઢીમાં ગઈ કાલે બપોરે રાબેતા મુજબનું કામકાજ ચાલી રહ્યું હતું એ દરમ્યાન બપોરે ત્રણેક વાગ્યે માથે હેલ્મેટ પહેરીને ચાર શખ્સો પેઢીમાં ધસી આવ્યા હતા. એક શખ્સ પાસે ખભે ભરાવાની બૅગ પણ હતી. આ શખ્સોએ પેઢીમાં આવતાંની સાથે જ પોતાની પાસે રહેલું રિવૉલ્વર જેવું હથિયાર બહાર કાઢ્યું હતું અને પેઢીના કર્મચારીઓ સામે ધરી દીધું હતું. જ્યારે અન્ય ત્રણ શખ્સો પેઢીનો અન્ય એક દરવાજો ખોલીને અંદર ધસી ગયા હતા અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ લોકોનાં ટોળેટોળાં પેઢી પાસે એકઠાં થયાં હતાં અને પોલીસ કાફલો આંગડિયા પેઢી પર ધસી આવ્યો હતો.

ચાર મહિના પહેલાં પણ થઈ હતી લૂંટ

ગાંધીધામમાં ગઈ કાલે આંગડિયા પેઢીમાં લૂંટનો બનાવ બન્યો હતો એ પહેલાં ચારેક મહિના અગાઉ ગાંધીધામની જ અન્ય એક આંગડિયા પેઢીમાં ૩૮થી ૪૦ લાખ રૂપિયાની લૂંટ થઈ હતી. એટલું જ નહીં, ગઈ કાલે જે આંગડિયા પેઢીમાં લૂંટ થઈ હતી એ જ પેઢીમાં પાંચેક વર્ષ પહેલાં લૂંટ થઈ હતી, જેમાં પોલીસે એક લૂંટારુને ઝડપી લીધો હતો.

Gujarat Crime ahmedabad gujarat news