હિલેરી ક્લિન્ટને અમદાવાદમાં મહિલાઓ માટેના ખાસ વૈશ્વિક ફન્ડની જાહેરાત કરી

06 February, 2023 11:11 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આ ‘ક્લાઇમેટ રિસાઇલન્સ ફન્ડ’ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને ક્લાઇમેટ ચેન્જની અસરોનો સામનો કરવામાં મદદ કરશે

અમદાવાદમાં ગઈ કાલે સેવા સંસ્થાના સભ્યોની સાથે અમેરિકાનાં ભૂતપૂર્વ વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટન. તસવીર જનક પટેલ

અમદાવાદ (પી.ટી.આઇ.) : અમેરિકાનાં ભૂતપૂર્વ વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટને ગઈ કાલે ગુજરાતમાં તેમની બે દિવસની મુલાકાતના પહેલા દિવસે ક્લાઇમેટ ચેન્જની અસરોનો સામનો કરવામાં મહિલાઓને મદદ કરવાના હેતુથી એક ખાસ પ્રકારના ફન્ડની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જના કારણે થતા તાપમાનમાં વધારાથી અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતી મહિલા કાર્યકરો માટે વધુ પડકારો ઊભા થાય છે એટલે જ વૈશ્વિક ‘ક્લાઇમેટ રિસાઇલન્સ ફન્ડ’થી આ પડકારનો સામનો કરવામાં મદદ મળશે. અમદાવાદમાં સામાજિક કાર્યકર અને ગાંધીવાદી ઇલા ભટ્ટ દ્વારા સ્થાપવામાં આવેલી સેવા (સેલ્ફ-એમ્પ્લૉઇડ વિમેન્સ અસોસિએશન)ના સભ્યોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ‘ક્લાઇમેટ રિસાઇલન્સ ફન્ડને શરૂ કરવા માટે સમાજની પરવાહ કરનારા લોકોનું એક ગ્રુપ આગળ આવ્યું છે. દુનિયામાં આ પ્રકારનું આ પહેલું ફન્ડ છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં હો, પોતાની જાતને સપોર્ટ કરવા કમાણી કરવાના પડકારનો તમે સામનો કરો છો, સખત ગરમીના દિવસોમાં પણ તમે કામ કરો છો. જેના સંબંધમાં મોટી સમસ્યાનો ઉકેલ લાવવામાં સેવા મદદ કરશે.’

gujarat news ahmedabad hillary clinton united states of america