પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરત સોલંકીની તબિયત લથડતા વેન્ટિલેટર પર

07 July, 2020 06:22 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરત સોલંકીની તબિયત લથડતા વેન્ટિલેટર પર

ફાઈલ તસવીર

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરત સોલંકી કોરોના વાયરસ (COVID-19)નો ભોગ બન્યા છે અને તેમની તબિયત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. કોરોનાની સારવાર દરમ્યાન તેમને પ્લાઝમા થૅરેપી આપવામાં આવી હતી પણ તે નિષ્ફળ ગઈ હતી અને તેમની તબિયત વધારે બગડી છે. એટલે તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. તેમની ખબર કાઢવા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓ હૉસ્પિટલમાં જઈ રહ્યાં છે અમિત ચાવડાએ પણ ડૉક્ટરો સાથે વાતચીત કરી હતી. અમદાવાદની સિમ્સ હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

21 જૂને ભરત સોલંકીનો કોરોના રીપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો અને તેમને વડોદરાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને અમદાવાદની સિમ્સ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમનું શરીર દવાઓને રીસપોન્સ ન કરતું હોવાથી પ્લાઝમા થૅરેપીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ તે પણ નિષ્ફળ ગઈ હતી અને અંતે તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસના બીજા ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતાં. જેમાં તેમની હાર થઈ હતી. સૂત્રોના મતે, ભરત સોલંકી રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસના અનેક નેતાઓને મળ્યા હતા. તેઓ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સાથે અંબાજી મંદિરની મુલાકાતે પણ ગયા હતા. ત્યારે જ તેમાન શરીરનું તાપમાન વધી ગયુ હતું પરંતુ ચૂંટણીની ભાગદોડમાં તેમણે આ ગણકાર્યું નહોતું. પછી તેઓ કોરોનાનો શિકાર થયા હતા.

coronavirus covid19 gujarat Gujarat Congress