કાશીરામ રાણાનું નિધન : કેશુભાઈએ ગુમાવ્યો રાઇટ હૅન્ડ

31 August, 2012 08:57 AM IST  | 

કાશીરામ રાણાનું નિધન : કેશુભાઈએ ગુમાવ્યો રાઇટ હૅન્ડ

 

 

 

ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)ના મહામંત્રી અને કેશુભાઈ પટેલનો જમણો હાથ માનવામાં આવતા એક સમયના બીજેપીના સિનિયર નેતા કાશીરામ રાણાનું ગુરુવારે મોડી રાત્રે સાડાબાર વાગ્યે અવસાન થયું હતું. અમદાવાદના એનેક્સી નામના ગવર્નમેન્ટ સર્કિટ હાઉસમાં અચાનક છાતીમાં દુખાવો ઊપડતાં તેમને તાત્કાલિક અમદાવાદની યુ. એન. મહેતા હાર્ટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું માત્ર ચાલીસ મિનિટમાં દેહાંત થયું હતું. મૅસિવ હાર્ટ-અટૅક બાબતે જાણ થતાં મોડી રાત્રે જ કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતા કાશીરામ રાણા પાસે હૉસ્પિટલમાં પહોંચી ગયા હતા. છેલ્લા ચાર દિવસથી કાશીરામ રાણા પોતાની પાર્ટીના પરિવર્તન સંમેલન માટે સૌરાષ્ટ્ર-કચ્છની યાત્રા પર હતા. સોમવારે તેમણે અમરેલીમાં સંમેલનમાં હાજરી પુરાવી હતી તો મંગળવારે હળવદમાં અને બુધવારે કચ્છના ભુજ શહેરના સંમેલનમાં હાજર રહ્યા હતા. ભુજના સંમેલનને લોકો કાશીરામ રાણાનું છેલ્લું સંમેલન માની રહ્યા છે, પણ હકીકત એ છે કે ગુરુવારે તેમણે મોરબી પાસેના માળિયા ગામમાં સ્થાનિક લોકોને સ્પીચ આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ‘મોદી લોકોને નીચા પાડીને પોતે ઊંચા થઈ રહ્યા છે, પણ પરિવર્તન પાર્ટીનો એક પણ કાર્યકર કે નેતા આ કામ નહીં કરે. બીજેપી છોડ્યું ત્યારે માનું ઘર છોડીને બહાર નીકળતા હોય એવું લાગતું હતું, પણ હવે આદત પડતી જાય છે.’

ગુરુવારે કાશીરામ રાણા અમદાવાદ પહોંચીને એનેક્સીમાં ઊતર્યા હતા. તેમની સાથે કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતા પણ હતા. ગઈ કાલે ગુજરાત પરિવર્તન પાર્ટીની કારોબારીની મીટિંગ હતી, જેના માટે કાશીરામ રાણા અમદાવાદમાં રોકાયા હતા; પણ વિધિની વક્રતા જુદી હતી અને તેમની કારોબારી મીટિંગને બદલે મૃત્યુ સાથેની મીટિંગ અગાઉથી ગોઠવાયેલી હતી. હૉસ્પિટલમાં તેમનું અવસાન થતાં કાશીરામભાઈના પાર્થિવ દેહને લઈને ગોરધન ઝડફિયા અને કેશુભાઈ પટેલ સહિતના જીપીપીના સિનિયર આગેવાનો સવારે સાડાદસ વાગ્યે સુરત પહોંચ્યા હતા જ્યાં અડાજણ વિસ્તારના કાશીરામ રાણાના ઘરે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ચાર કલાકનાં અંતિમ દર્શન પછી કાશીરામ રાણાની અંતિમ ક્રિયા સાંજે પાંચ વાગ્યે સુરતના અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં કરવામાં આવી હતી.

હું શું બોલું?: કેશુભાઈ પટેલ

કાશીરામ રાણાના મૃત્યુ પછી ગઈ કાલે કેશુભાઈ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને સમજાતું નથી કે હું શું બોલું. અમે સાથે કામ શરૂ કર્યું હતું અને સાથે જ નવી શરૂઆત કરી. ગઈ કાલે જે ઘટના બની એ પછી મારા મનમાં શૂન્યાવકાશ છવાઈ ગયો છે. સાચી શ્રદ્ધાંજલિ માટે મારી પાસે શબ્દો નથી, પણ એટલું પાકું કે કાશીરામભાઈના સત્યના માર્ગે ચાલવા માટેની જે પરિકલ્પના હતી એને સાર્થક પુરવાર કરવામાં આવશે એનું હું તેમના વતી ગુજરાતને વચન આપું છું. અમારી લડાઈમાં હવે તેમના પ્રાણ પરોવાયા છે એવું હું કહી શકું.’

બીજેપી = ભારતીય જનતા પાર્ટી