આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અરજદારોની લાઇન લાગી

14 September, 2019 09:14 AM IST  |  રાજકોટ

આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અરજદારોની લાઇન લાગી

પ્રતીકાત્મક તસવીર

રાજકોટ : (જી.એન.એસ.) નવું મોટર વેહિકલ સુધારણા બિલ જાહેર થયા બાદ નિયમ મુજબ ડૉક્યુમેન્ટ કઢાવી લેવા, વાહનના દસ્તાવેજ કરાવી લેવા સહિતના મુદ્દે ગંભીરતા કેળવી હોય એમ રાજકોટની આરટીઓ કચેરીમાં લાઇસન્સ રિન્યુ કરવા, નવાં લાઇસન્સ કઢાવવા, એચએસઆરપી ફિટ કરાવવા, ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા અરજદારોની લાંબી લાઈનો લાગી છે. આ ઉપરાંત શહેરમાં જુદાં-જુદાં પીયુસી સેન્ટરોમાં અને હેલ્મેટની દુકાનોમાં અને ફુટપાથ પર ગ્રાહકોની લાંબી લાઇનો લાગી છે. આરટીઓમાં અરજદારોનો ટ્રાફિક સામાન્ય દિવસો કરતાં ત્રણગણો વધી ગયો છે. નવા નિયમો જાહેર થયા બાદ આરટીઓમાં એક દિવસમાં લાઇસન્સ રિન્યુ કરાવવા ૬૦૦, એચએસઆરપી ફિટ કરાવવા ૪૫૦ અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ૩૫૦ અરજદારો ઊમટી પડે છે; જ્યારે બીજી બાજુ આરટીઓમાં હાલ ૪૦ ટકા કર્મચારીઓની ઘટ છે.

લાઇસન્સ રિન્યુ માટે પહેલાં ૨૦૦ લોકો આવતા હતા અને હવે ૬૦૦થી વધુ લોકો આવે છે. એચએસઆરપી ફિટમેન્ટ માટે પહેલાં ૧૨૫થી વધુ લોકો આવતા હતા, જે હવે ૪૫૦થી વધુ લોકો આવે છે. ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહેલાં ૨૦૦ લોકો આવતા હતા, જે હવે ૩૫૦થી વધુ લોકો આવે છે.

rajkot gujarat