સુરત : ઝૂકી ગયેલું બિલ્ડિંગ તૂટી પડવામાં બે કલાક લાગતાં હીરાદલાલો બચી ગયા

14 December, 2011 07:04 AM IST  | 

સુરત : ઝૂકી ગયેલું બિલ્ડિંગ તૂટી પડવામાં બે કલાક લાગતાં હીરાદલાલો બચી ગયા

 

દેવકૃપા નામની આ ઇમારતમાં હીરાદલાલોની ઑફિસ હતી. તૂટી પડેલી ઇમારતની બાજુમાં આવેલી જૂની ઇમારત તોડી પાડીને ત્યાં ડાયમન્ડ માર્કેટ બનાવવામાં આવી રહી છે. અહીં બિલ્ડરે ભોંયતળિયે પાર્કિંગ બનાવવા માટે ૨૬ ફૂટ ઊંડો ખાડો ખોદતાં માટી ધસી પડવાને કારણે દેવકૃપા બિલ્ડિંગ તૂટી પડ્યું હતું.

સુરત મહાનગરપાલિકાના ચીફ ફાયર ઑફિસર પંકજ પટેલે કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે આ બિલ્ડિંગ ઝૂકી પડતાં પાંચેય માળ તથા આજુબાજુનાં બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યાં હતાં એને લીધે કોઈ જાનહાનિનો બનાવ નહોતો બન્યો. જોકે આ ઘટના બાજુમાં નવી બંધાઈ રહેલી માર્કેટના બિલ્ડર દ્વારા આડેધડ ખોદકામ કરવાને લીધે બની હતી. દેવકૃપાની આજુબાજુ આવેલાં બે બિલ્ડિંગો પણ જોખમી બન્યાં છે. ત્યાં રહેતા લોકોને ઇમારત ખાલી કરવાની નોટિસ આપી દેવામાં આવી છે.’

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ચીફ એમ. ડી. દારૂવાલાએ કહ્યું હતું કે ‘દેવકૃપા બિલ્ડિંગની બાજુમાં માર્કેટ બનાવનાર મનીષ ગાંધી નામના બિલ્ડરની બેદરકારીને કારણે એ ઇમારત તૂટી પડી છે. એ સંદર્ભમાં બિલ્ડર ઉપરાંત આર્કિટેક્ટની વિરુદ્ધ ગુનાહિત બેદરકારી દાખવવા બદલ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવશે. દુર્ઘટના સર્જાયા પછી સુધરાઈએ આર્કિટેક્ટનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું છે.

ઇમારતનાં ફાઉન્ડેશન નબળાં પડતાં એ બે કલાક સુધી એક તરફ ઝૂકી પડી હતી. એ દરમ્યાન હીરાદલાલોની ઑફિસમાં બેસતા દલાલોને સલામત બહાર નીકળવાનો સમય મળ્યો હતો અને એને લીધે જાનહાનિ ટળી હતી.