માંડવીના બીચ પર સ્ટુડન્ટ્સ તણાયા કુલ પાંચનાં મૃત્યુ અને એક લાપતા

03 September, 2012 05:19 AM IST  | 

માંડવીના બીચ પર સ્ટુડન્ટ્સ તણાયા કુલ પાંચનાં મૃત્યુ અને એક લાપતા

તકદીર કેવા અજબ ખેલ ખેલતું હોય છે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગઈ કાલે કચ્છ જિલ્લાના માંડવી બીચ પર જોવા મળ્યું હતું. દર ૧૫ દિવસે ગુજરાતના કોઈ એક શહેરની ટ્રિપ પર જતા અમદાવાદ નજીક આવેલા વીસનગર શહેરની એક કૉલેજના સ્ટુડન્ટ્સ માંડવી બીચના કરન્ટવાળાં મોજાંમાં અચાનક તણાવા માંડતાં તેમને બચાવવા ગયેલા ખેડબ્રહ્માની એન્જિનિયરિંગ કૉલેજના સ્ટુડન્ટ્સમાંના બેનાં મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટનામાં વીસનગરની કૉલેજના ૩ વિદ્યાર્થીઓ ડૂબી ગયા છે, એક ગાયબ છે અને આઠને બચાવી લેવાયા છે. ગઈ કાલે સવારે ૯ વાગ્યે બનેલી આ ઘટનામાં વીસનગરના સ્ટુડન્ટ્સ માંડવી બીચ પર દરિયામાં નાહવા ગયા હતા, પણ દરિયામાં કરન્ટ હોવાથી સ્ટુડન્ટ્સમાંથી અંદાજે ૧૨ જેટલાં વિદ્યાર્થીઓ પાણીમાં તણાવા લાગ્યા એટલે અન્ય સ્ટુડન્ટ્સે બૂમો પાડી હતી. આ બૂમો સાંભળીને બીચ પર આવેલા ખેડબ્રહ્માની એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ તરત જ દોડ્યા હતા અને જે કોઈને તરતા આવડતું હતું તેઓ દરિયામાં કૂદ્યા, પણ ઈશ્વરે કંઈક જુદું જ ધાર્યું હતું. આ ઉપરાંત બચાવવા પડેલા એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સમાંથી પણ બે સ્ટુડન્ટ્સનું ડૂબી જતાં મૃત્યુ થયું હતું. કચ્છના કલેક્ટર એમ. થેન્નારસને કહ્યું હતું કે ‘કૉલેજના સ્ટુડન્ટ્સે ખરેખર હિંમતપૂર્વકનું પગલું ભર્યું હતું. જો તેઓ બચાવવા ગયા ન હોત તો મૃત્યુઆંક મોટો હોત.’

ગઈ કાલે મરનારાઓમાં ત્રણ સ્ટુડન્ટ્સ વીસનગરની કૉલેજના અને અન્ય બે એન્જિનિયરિંગ કૉલેજના હતા. ખેડબ્રહ્મા એન્જિનિયરિંગ કૉલેજના પ્રોફેસર સંદીપ સથવારાએ કહ્યું હતું કે ‘દરિયામાં કરન્ટ જબરદસ્ત હતો. હું અને મારા સ્ટુડન્ટ્સ જ્યારે પાણીમાં ઊતર્યા ત્યારે જ અમને ખબર પડી હતી કે આ પાણીમાં દરિયામાં ખેંચી જવાની તાકાત છે, પણ આજુબાજુમાં કોઈ રેસ્ક્યુ ટીમ કે સામાન્ય પબ્લિકની અવરજવર નહોતી એટલે કોઈએ તો હિંમત કરવાની હતી. એ હિંમત અમે કરી.’

આ ઘટના બન્યા પછી ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી માંડવી બીચ પર સ્પીડબોટ સાથે બે તરવૈયા અને બે પોલીસ-કર્મચારીઓ મૂકવાનો ઑર્ડર આપી દીધો છે. માંડવી બીચ પર પ્રવાસીઓનો ટ્રાફિક રહેતો હોવાથી હવે પછી આવી કોઈ ઘટના ન બને એ માટે આ તકેદારી લેવામાં આવી છે.

સ્ટુડન્ટ્સ માટે બ્રેવરી અવૉર્ડ વિશે વિચારણા

ગઈ કાલની ઘટના માટે માંડવી નગરપાલિકાના ચૅરમૅન સામંતસિંહ સોઢાએ કહ્યું હતું કે ‘જો એન્જિનિયરિંગ કૉલેજના છોકરાઓ મદદે ન પહોંચ્યા હોત તો આજે મોટી સંખ્યામાં મૃત્યુ થયાં હોત, પણ બચાવકાર્ય તરત જ શરૂ થઈ જતાં વીસનગર કૉલેજના ત્રણ સ્ટુડન્ટ્સનાં મૃત્યુ થયાં છે અને એક ગુમ થયો છે. અમે આ બધાં બાળકોનું સન્માન કરવાનું નક્કી કર્યું છે અને ગુજરાત સરકાર બધાં બાળકોને બ્રેવરી અવૉર્ડ આપે એ માટે પણ સજેશન મોકલ્યું છે.’

ગુજરાત સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસે પણ બચાવકાર્ય કરનારા આ સ્ટુડન્ટ્સને બ્રેવરી અવૉર્ડ આપવાનું ગંભીરતાપૂર્વક વિચારવામાં આવશે એવું કહ્યું હતું.