ભારતમાં પહેલી જ વાર અમદાવાદમાં સિનિયર સિટિઝન્સ માટે લિવ-ઇન રિલેશનશિપ સંમેલન

04 November, 2011 02:38 PM IST  | 

ભારતમાં પહેલી જ વાર અમદાવાદમાં સિનિયર સિટિઝન્સ માટે લિવ-ઇન રિલેશનશિપ સંમેલન



અમદાવાદમાં વિનામૂલ્યે અમૂલ્ય સેવા નામની સંસ્થા ચલાવતા નટુભાઈ પટેલ અને ભારતી રાવલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૫૦ વર્ષથી ઉપરના કુંવારા, ડિવૉર્સી, વિધવા, વિધુર સિનિયર સિટિઝન્સ માટે ઢળતી ઉંમરે એકલતા દૂર કરવા; એકબીજાનો પ્રેમ અને હૂંફ મેળવવા; પાનખરમાં પણ વસંત લાવવા ઇચ્છતા સિનિયર સિટિઝન્સ માટે લિવ-ઇન રિલેશનશિપ આર્શીવાદરૂપ છે. મોટી ઉંમરે પુન: લગ્નજીવનમાં સેટ ન થવાય તો છૂટાછેડા તેમ જ સંતાનો, મિલ્ાકત સહિતની અનેક મુશ્કેલીઓ ઊભી થતી હોય છે ત્યારે લિવ-ઇન રિલેશનશિપ આધુનિક જમાનાની ડિમાન્ડ-જરૂરિયાત બની ગઈ છે ત્યારે લગ્ન કર્યા વિના સાથે રહેવા ઇચ્છતા સિનિયર સિટિઝન્સ માટે અમદાવાદમાં ૨૧ નવેમ્બરના રવિવારે બપોરે ૧૨ વાગ્યે પાલડી ચાર રસ્તા પાસે આવેલા મેહંદી નવાઝજંગ હૉલમાં આ સંમેલન યોજવામાં આવ્યું છે.’

મોટી ઉંમરે પહેલાં લિવ-ઇન રિલેશનશિપમાં રહીને પછી સેટ થાઓ તો પુન: લગ્ન કરી શકાય છે અથવા એકબીજાને અનુકૂળ ન આવે તો છૂટા પણ થઈ શકાય છે એમ જણાવીને નટુભાઈ પટેલે કહ્યું હતું કે હાલમાં અમારી પાસે ૫૦૦ જેટલા પુરુષ અને ૨૫ જેટલી મહિલા સિનિયર સિટિઝન્સ છે કે જેમને યોગ્ય પાત્ર મળે તો લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા તૈયાર છે.

મહિલાઓને રાહત

અમદાવાદમાં યોજાનારા સિનિયર સિટિઝન્સ માટેના લિવ-ઇન રિલેશનશિપ સંમેલનમાં ભારતના કોઈ પણ સ્થળેથી ભાગ લેવા આવનાર મહિલા ઉમેદવારોને જવા-આવવાનું રેલ્વે-બસભાડું આપવામાં આવશે.

સંપર્ક કરો

જે સિનિયર સિટિઝન્સને આ સંમેલનમાં ઉપસ્થિત રહેવું હોય તેમણે અમદાવાદમાં નટુભાઈ પટેલ (ફોન : ૦૯૮૨૫૧ ૮૫૮૭૬) અથવા ભારતી રાવલ (ફોન : ૦૯૩૭૬૧ ૭૯૯૪૪) પર સંપર્ક કરવો.