વડોદરામાં ફટાકડાની દુકાનોમાં આગ ૧૪૦ સ્ટૉલ, ૧૫૦ બાઇક અને ૪૦ કાર ભસ્મીભૂત

11 November, 2012 05:18 AM IST  | 

વડોદરામાં ફટાકડાની દુકાનોમાં આગ ૧૪૦ સ્ટૉલ, ૧૫૦ બાઇક અને ૪૦ કાર ભસ્મીભૂત



ગઈ કાલે બપોરે સાડાત્રણ વાગ્યે વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં આવેલા ફટાકડાના સ્ટોલમાં લાગેલી આગ એક્ઝૅક્ટ ચાલીસ વર્ષ પછી ફરી લાગી હતી. આ અગાઉ ૧૯૭૨માં ગઈ કાલના દિવસે અને ગઈ કાલની તિથિએ જ આગ લાગી હતી અને એ સમયે પોલો ગ્રાઉન્ડમાં બનેલા ચૌદ સ્ટૉલ સળગ્યા હતા, જ્યારે ગઈ કાલે લાગેલી આગમાં ફટાકડાના ૧૪૦ સ્ટૉલ સળગીને ખાક થઈ ગયા હતાં. આ આગના કારણે દોઢથી બે કરોડ રૂપિયાનો વેપારીનો ફટાકડાનો માલ સળગી ગયો હતો, જ્યારે આગ લાગવાના કારણે દોઢસોથી વધુ બાઇક અને ચાલીસથી વધુ કાર ભસ્મીભૂત થઈ ગઈ હતી. સુખદ વાત એ છે કે આટલી ભીષણ આગ વચ્ચે પણ કોઈનું મૃત્યુ થયું નહોતું, પણ પચીસથી વધુ લોકોને સામાન્ય ઈજા થઈ હતી. વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર અશ્વિનીકુમારે કહ્યું હતું કે ‘આગ લાગવાનાં કારણોમાં અત્યારે શૉર્ટ સર્કિટ દેખાઈ રહ્યું છે, પણ ફૉરેન્સિક લૅબોરેટરીનો રિપોર્ટ આવ્યા પછી સાચા કારણની ખબર પડશે.’

દારૂગોળો ભરેલા ફટાકડાના સ્ટૉલમાં આગ લાગતાં ફટાકડા ફૂટવા શરૂ થયા હતા. એકસાથે લાખો બૉક્સ ફટાકડા ફૂટતા એનો અવાજ છેક દોઢ કિલોમીટર દૂર આવેલા વિસ્તારોમાં પણ સંભળાયો હતો. આગના એરિયામાં સળગેલા દારૂગોળાની વાસ એવી તીવ્ર હતી કે માથું ફાટી જતું હતું, આ જ કારણે ઘટનાસ્થળે પહોંચેલી ફાયરફાઇટરના ડ્રાઇવર અને ફાયરફાઇટર માટે અત્યંત સ્ટ્રૉન્ગ એવા પરફ્યુમની વ્યવસ્થા કરવી પડી હતી. ફટાકડાના સ્ટૉલમાં લાગેલી આ આગમાં આતશબાજી આ વિસ્તારની આજુબાજુમાં આવેલા કૉમ્પ્લેક્સમાં જઈને પડી હતી. આગને કાબૂમાં લેવા માટે કુલ પિસ્તાલીસ ફાયરફાઇટર કામે લગાડવા પડ્યાં હતાં. આગના કારણે વાયરમાં શૉર્ટ સર્કિટ ન થાય એ માટે આ વિસ્તારની જનરલ અને પર્સનલ લાઇટ બંધ કરી દેવામાં આવી હતી, જે રાતે આઠ વાગ્યે ફરીથી ચાલુ કરવામાં આવી હતી.