કચ્છના સરહદી અબડાસા તાલુકામાંથી ઝડપાઈ હથિયાર બનાવવાની ફૅક્ટરી

22 February, 2019 08:23 AM IST  |  કચ્છ

કચ્છના સરહદી અબડાસા તાલુકામાંથી ઝડપાઈ હથિયાર બનાવવાની ફૅક્ટરી

મહિન્દ્રા બોલેરો જીપમાં હથિયાર મળી આવ્યા

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનોના કાફલા પર થયેલા ભીષણ ફિદાઇન હુમલા બાદ પાકિસ્તાનને અડકીને આવેલા કચ્છમાં પોલીસ અને લશ્કરી-અર્ધલશ્કરી દળોએ આંતરિક-બાહ્ય સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે. સરહદે હાઈ અલર્ટની પરિસ્થિતિ વચ્ચે પૂર્વ કચ્છના અબડાસા તાલુકાના અંતરિયાળ બોહા અને રાયધણઝર ગામના સીમાડે વાડીની ઓરડીમાં દેશી બંદૂક-દારૂગોળો બનાવવાનું મિની કારખાનું ઝડપાતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. કોઠારા પોલીસ મથકના હેડ કૉન્સ્ટેબલ હિતેન્દ્ર ગઢવીને દેશી હથિયારના કારખાના વિશે બાતમી મળતાં ઇન્ચાર્જ PSI એસ. એ. ગઢવી સહિતના કાફલાએ ગઈ રાત્રે દસ વાગ્યે નૂરમામદ ઈશાક હિંગોરાની વાડીની ઓરડીમાં દરોડો પાડ્યો હતો.

મોટી સફળતા : આરોપીઓ સાથે પોલીસની ટીમ.

પોલીસને જોઈ પંચાવન વર્ષના નૂરમામદે નાસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે તેને દબોચી લઈ સાથે રાખી ઓરડીમાં તપાસ કરતાં ઓરડીમાંથી નાળ વગરની એક દેશી બંદૂક, ૧૨ બોરની બંદૂકની ૩ નંગ ફૂટેલી કારતૂસ, અડધી-અધૂરી બનેલી દેશી બંદૂકો, લાકડા અને લોખંડની પાઇપના ટુકડા, પતરું, દારૂગોળો બનાવવા ઉપયોગમાં લેવાતું ગંધક, શસ્ત્રો બનાવવા માટેનાં વિવિધ ઓજારો જેવાં કે કાનસ, કટર, હેમરી પથ્થર, ડિસમિસ, આરી, કરવત, છીણી, હથોડી, સ્ક્રૂડ્રાઇવર, ડ્રિલ મશીન, કટર, વેલ્ડિંગ મશીન અને એ માટે વપરાતાં તાંબાના સળિયા વગેરે માલસામાન મળી આવ્યો હતો. સ્થળ પર પડેલી મહિન્દ્રા બોલેરો જીપ પણ પોલીસે જપ્ત કરી છે. પોલીસે સાડાત્રણ લાખની જીપ સહિત કુલ ૩,૫૨,૦૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો : ગાંધીનગર: BJP સરકારની સામે મેદાને પડ્યા પ્રહ્લાદ મોદી

કોઠારા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે નૂરમામદ હિંગોરા અને તેના પુત્ર મન્સૂરે દેશી હથિયારો બનાવવાનું કાર્ય શરૂ કર્યું હતું. પોલીસે પકડેલાં મોટા ભાગનાં ઓજારો નવાં જેવાં જણાય છે એમ તપાસ કરી રહેલા PSI ઉલવાએ જણાવ્યું છે. પોલીસે નૂરમામદને રિમાન્ડ પર લઈ સઘન તપાસ હાથ ધરી છે. દરોડા સમયે મન્સૂર હાજર જોવા મળ્યો નહોતો. તેને દબોચી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. બન્ને પિતા-પુત્ર ખીરસરા વિંઝાણના રહેવાસીઓ છે.

kutch gujarat pulwama district terror attack