ઇસ્લામવિરોધી અમેરિકી ફિલ્મના મુદ્દે અમદાવાદમાં ઠેર ઠેર આગજની

04 October, 2012 03:30 AM IST  | 

ઇસ્લામવિરોધી અમેરિકી ફિલ્મના મુદ્દે અમદાવાદમાં ઠેર ઠેર આગજની



અમેરિકાની વિવાદાસ્પદ ફિલ્મ ‘ઇનોસન્સ ઑફ મુસ્લિમ્સ’ના વિરોધમાં ગઈ કાલે અમદાવાદમાં એક હિંસક ટોળાએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. ૧૫૦૦ કરતાં વધુ લોકોના ટોળાએ પોલીસની મંજૂરી વગર રૅલી કાઢ્યા બાદ કહેવાય છે કે પોલીસ અને ટોળામાં સામેલ એક વ્યક્તિ સાથે કોઈક મુદ્દે બબાલ થયા બાદ બેકાબૂ બનેલા ટોળાએ કારંજ વિસ્તારમાં આવેલા મહિલા પોલીસ-સ્ટેશનનું ફર્નિચર બાળવા ઉપરાંત બે સરકારી વેહિકલ સહિત એક ડઝન જેટલાં વાહનોને આગ ચાંપીને પથ્થરમારો કર્યો હતો. જોકે પોલીસે ટિયર ગૅસના સેલ છોડીને મામલો થાળે પાડીને વણસતી જતી પરિસ્થિતિ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો.

અમદાવાદમાં ગઈ કાલે શાહપુર, ખાનપુર, કારંજ સહિતના કેટલાક મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં વિવાદાસ્પદ ફિલ્મના પગલે બંધ પાળવામાં આવ્યો હતો. બપોરે દોઢ-બે વાગ્યાના અરસામાં લાલ દરવાજા પાસે સરદાર બાગ નજીક અંદાજે ૧૫૦૦થી વધુ માણસો એકઠા થયા હતા અને પોલીસની મંજૂરી વગર તેમણે રૅલી કાઢી હતી. આ ટોળું ગાંધી રોડ પર આવેલી જુમ્મા મસ્જિદ પાસે ગયું હતું જ્યાં કોઈક મુદ્દે પોલીસ અને ટોળામાં સામેલ એક વ્યક્તિ વચ્ચે બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો અને જોતજોતાંમાં ટોળું બેકાબૂ બન્યું હતું. એક ટોળું કારંજ વિસ્તારમાં આવેલા મહિલા પોલીસ-સ્ટેશન પાસે પહોંચ્યું હતું.

અમદાવાદ ફાયર-બ્રિગેડના ઍડિશનલ ફાયર-ઑફિસર રાજેશ ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તોફાનમાં મહિલા પોલીસ-સ્ટેશનનું ફર્નિચર બાયું હતું તેમ જ ત્યાં એક જીપ્સી, આઠ બાઇક તેમ જ ત્રણ સાઇકલ સળગાવી દીધી હતી. એ ઉપરાંત રિલીફ સિનેમા પાસે એક સરકારી સુમો વેહિકલ સળગાવ્યું હતું.’