ગુજરાતમાં રહ્યો સર્વત્ર વેપાર બંધ

02 December, 2011 06:20 AM IST  | 

ગુજરાતમાં રહ્યો સર્વત્ર વેપાર બંધ

 

 

 

રીટેલ ક્ષેત્રમાં એફડીઆઇ (ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ)ને અપાયેલી મંજૂરીના વિરોધમાં ગઈ કાલે કરવામાં આવેલા વેપાર બંધના એલાનને ગુજરાતમાં સર્વત્ર અને સંપૂર્ણ સહકાર મળ્યો હતો. જોકે મુખ્ય શહેરોને બાદ કરતાં અંતરિયાળ ગામોમાં સવારના સમયે બંધ પાળવામાં આવ્યો હતો, જ્યારે બપોર પછી દુકાનો ખોલી નાખવામાં આવી હતી. ગુજરાત સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસે કહ્યું હતું કે ‘આ બંધમાં સાથ આપીને ગુજરાતના વેપારીઓએ દેખાડ્યું છે કે તે લોકો બીજેપી ગવર્નમેન્ટ અને મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયની સાથે છે. કેન્દ્ર સરકાર જો પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે તો પણ ગુજરાત સરકારે નક્કી કરી લીધું છે કે એ નાના વેપારીઓનું હિત જાળવશે અને ગુજરાતમાં કોઈ ફૉરેન સ્ટોરને પરમિશન નહીં આપે.’

ગઈ કાલના બંધમાં બીજેપીએ ઍક્ટિવ રોલ ભજવ્યો નહોતો એમ છતાં જાણે કે સ્વયંભૂ બંધ હોય એ રીતે બંધ પાળવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાત અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં મુખ્ય બજારો ગઈ કાલે બંધ રહી હતી. એને કારણે સોસાયટીવિસ્તારના વેપારીઓએ પણ બંધને સાથ આપ્યો હતો. ગઈ કાલના બંધને ગુજરાતનાં અલગ-અલગ ૧૭૫થી વધુ વેપારી સંગઠનોએ સહકાર આપ્યો હતો. આ ઉપરાંત ૧૦૦થી વધુ ઔદ્યોગિક વસાહતોએ પણ ગુજરાત બંધમાં સહકાર આપ્યો હતો અને ગઈ કાલે બંધ પાળ્યો હતો. ગઈ કાલના બંધને ગુજરાતના ૨૭૫ માર્કેટિંગ યાર્ડે પણ સમર્થન આપ્યું હતું, જેમાં ૨૦ ટકા જેટલા માર્કેટિંગ યાર્ડના શાસક પક્ષ તરીકે કૉન્ગ્રેસ પાર્ટી હતી.

એફડીઆઇના વિરોધમાં ગઈ કાલે ગુજરાતભરમાં અલગ-અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. અમદાવાદના વેપારીઓએ મોઢે પટ્ટી બાંધીને રૅલી કાઢી હતી, તો ભાવનગરના વેપારીઓએ કેન્દ્ર સરકારને સદ્બુદ્ધિ આવે એ માટે રામધૂન ગાતાં શહેરમાં રૅલી કાઢી હતી. જામનગર અને પોરબંદરમાં વેપારીઓ અને બીજેપીના કાર્યકરોએ વિદેશી સ્ટોર અને કેન્દ્ર સરકારની નનામી કાઢી હતી અને પછી જાહેરમાં એના  અંતિમ સંસ્કાર કર્યા હતા.