26/11ની કરૂણાંતિકા, નવસારીના 3 માછીમારોનો હજી કોઈ પત્તો નથી

27 November, 2015 03:24 AM IST  | 

26/11ની કરૂણાંતિકા, નવસારીના 3 માછીમારોનો હજી કોઈ પત્તો નથી



મુંબઈ હુમલાને સાત વર્ષ વીતી ગયા છતાં ગુજરાતના નવસારીના ત્રણ માછીમારોને હજી મૃત્યુ પામેલા જાહેર કરવામાં આવ્યા નથી અને તેમનાં કુટુંબો તેમના ડેથ-સર્ટિફિકેટની રાહ જોઈ રહ્યાં છે. અજમલ કસબ અને અન્ય ૧૦ આતંકવાદીઓ દ્વારા હાઇજૅક કરવામાં આવેલી કુબેર નૌકાના ત્રણ ખલાસીઓનાં કુટુંબોએ બુધવારે નવસારીના કલેક્ટરને મળી આ ત્રણ માછીમારોના ડેથ-સર્ટિફિકેટ આપવા વિનંતી કરી હતી. માછીમારોનાં આ કુટુંબો તેમના ડેથ-સર્ટિફિકેટ અને વળતરની રાહ જોઈ રહ્યાં છે, કારણ કે તેમના મૃતદેહો ન મળવાથી તેમને હજી મૃત્યુ પામેલા જાહેર કરવામાં આવ્યા નથી. કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ સાત વર્ષ સુધી ગુમ રહે તો તેમને મૃત્યુ પામેલા માનવામાં આવે છે. નવસારીના કલેક્ટરની ઑફિસે માછીમારોનાં કુટુંબોને જણાવ્યું હતું કે હવે સાત વર્ષ પૂરાં થઈ ગયાં હોવાથી તેઓ આ કેસની માહિતી ગૃહ-વિભાગ અને સરકાર પાસે મેળવશે અને જરૂરી કાર્યવાહી કરશે.

 જ્યારે કુબેર નૌકા હાઇજૅક થઈ ત્યારે એના પર પાંચ ખલાસીઓ સવાર હતા. આ ખલાસીઓ નવસારીના વાસી અને બોરસી ગામના હતા. નટવર ઉર્ફે નટુ નાનુ રાઠોડ, મુકેશ રાઠોડ અને બળવંત ટંડેલ નવસારીના હતા; જ્યારે અન્ય બે ખલાસીઓ નૌકાના કૅપ્ટન વલસાડના અમરસિંહ સોલંકી અને જૂનાગઢના રમેશ સોલંકી હતા. અમરસિંહ સોલંકીનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે રમેશ હજી ગુમ છે.