પગાર ન વધ્યો એટલે ઑફિસમાં જ નકલી નોટો છાપવાની શરૂ કરી

08 October, 2011 05:50 PM IST  | 

પગાર ન વધ્યો એટલે ઑફિસમાં જ નકલી નોટો છાપવાની શરૂ કરી

 

રાજકોટની ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એચ. આર. ભાટુએ કહ્યું હતું કે ‘તેજસ જે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને ત્યાં નોકરી કરતો હતો તેની પાસે તેણે પગારવધારાની ડિમાન્ડ કરી હતી પણ પગાર વધ્યો નહીં. આ જ ટાઇમમાં તેજસને નકલી નોટો છાપવાનો રસ્તો સૂઝ્યો એટલે તેણે પોતાના જ બૉસ સામે ખુન્નસ કાઢવા માટે બૉસની જ ઑફિસમાં નકલી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. ઑફિસની ચાવી તેજસ પાસે રહેતી હોવાથી મોડે સુધી તે ઑફિસમાં રહેતો હોવા છતાં કોઈને તેના પર શંકા નહોતી ગઈ.’

તેજસ છેલ્લા આઠેક મહિનાથી નકલી નોટો છાપી રહ્યો હતો. છપાયેલી નકલી નોટથી તે હંમેશાં શૉપિંગ કરવાનું ટાળતો અને નકલી નોટનો ઉપયોગ તે હોટેલ અને રેસ્ટોરાંનાં બિલ ચૂકવવામાં અને ફિલ્મોની ટિકિટ ખરીદવામાં કરતો. આઠ મહિનામાં તેણે ૩૪,૦૦૦થી વધુની રૂપિયાની નકલી નોટો છાપી હતી. ટૂંકા પગાર વચ્ચે પણ તેજસના મોજશોખના ખર્ચાઓ વધી જતાં બધાનું ધ્યાન તેના તરફ ખેંચાયું હતું. તેજસ વારંવાર રાજકોટની એક ખ્યાતનામ હોટેલમાં બહુ જતો હોવાથી ત્યાંના માલિકના ધ્યાન પર નકલી નોટ આવીને પછી ઑબ્ઝર્વેશન દરમ્યાન તે પકડાયો હતો. તેજસ પાસે રાજકોટ પોલીસને ૧,૪૨,૦૦૦ રૂપિયાની નકલી નોટો પણ મળી હતી.