રાજકોટમાં હવે હિંસક સદ્ભાવના

24 December, 2011 03:09 AM IST  | 

રાજકોટમાં હવે હિંસક સદ્ભાવના



રશ્મિન શાહ


રાજકોટ, તા. ૨૪
એકમેક પ્રત્યે સદ્ભાવ રાખવાના હેતુથી ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સદ્ભાવના મિશને ગઈ કાલથી રાજકોટમાં આતંકનો માહોલ સર્જી દીધો છે. સોમવારે રાજકોટના રેસર્કોસ મેદાનમાં થનારા મુખ્ય પ્રધાનના સદ્ભાવનાનાં પોસ્ટરને હટાવવા બાબતે આમનેસામને આવી ગયેલા બીજેપી-કૉન્ગ્રેસના કાર્યકરોએ ગઈ કાલે સવારે રાજકોટના પૉશ કિશાનપરા ચોકમાં બેફામ ગાળાગાળ કરી હતી અને એ પછી બીજેપીના કૉર્પોરેટર અને રાજકોટના ભૂતપૂર્વ મેયર ઉદય કાનગડે રાજકોટ શહેરના કૉન્ગ્રેસપ્રમુખ જશવંત સિંહ ભટ્ટીને બેફામ માર માર્યો હતો. આ મારામારી પછી ઉદય કાનગડની અરેસ્ટ કરવામાં આવી હતી, પણ કૉન્ગ્રેસી કાર્યકરોએ ગઈ કાલે મોડી સાંજે શહેરભરમાં આંતક મચાવીને રાજકોટના માલવિયા ચોક, કાલાવાડ રોડ, કિશાનપરા ચોક, રેસર્કોસ રિંગ રોડ, સરદારનગર મેઇન રોડ જેવા એરિયામાં લટકાવવામાં આવેલાં મોદીનાં પોસ્ટરોને ફાડી નાખ્યાં હતાં અને અમુક જગ્યાએ પોસ્ટરોને સળગાવ્યાં હતાં. રાજકોટનાં પોલીસ-કમિશનર ગીતા જોહરીએ કહ્યું હતું કે બીજેપીના ઉદય કાનગડ અને અન્ય એક શખ્સની અરેસ્ટ કરવામાં આવી છે, જ્યારે પોસ્ટર સળગાવી તનાવ ફેલાવવા બદલ કૉન્ગ્રેસના ૧૫ જણની અરેસ્ટ કરવામાં આવી છે.

ગઈ કાલની ઘટના પછી કૉન્ગ્રેસે એવી માગણી કરી છે કે જો મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાચી સદ્ભાવના રાખતા હોય તો તેઓ કૉન્ગ્રેસની માફી માગે, નહીં તો કૉન્ગ્રેસ રાજકોટમાં સદ્ભાવના નહીં થવા દે. બીજેપીના રાજ્યસભાના સભ્ય અને સૌરાષ્ટ્ર-કચ્છના બીજેપીના સિનિયર નેતા વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે ‘અશિસ્તમાં રહેતા લોકોએ સદ્ભાવની કોઈ અપેક્ષા રાખવાની ન હોય. સતકર્મના નામે કૉન્ગ્રેસની લોકપ્રિયતા ભૂંડી રીતે ઉઘાડી પડી ગઈ છે. ૫૦૦ માણસો પણ ભેગા થતા ન હોવાથી કૉન્ગ્રેસે આવી સસ્તી લોકપ્રિયતા મેળવવાનો રસ્તો અપનાવ્યો છે.’

ગઈ કાલની ઘટના પછી રાજકોટનાં-પોલીસ-કમિશનર ગીતા જોહરીએ તમામ પોલીસ-કર્મચારીઓની રજા રદ કરીને બધાને સ્ટૅન્ડ-બાય રહેવાનો ઑર્ડર આપ્યો છે. આ સાથે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી જે રેસર્કોસ મેદાનમાં સદ્ભાવના ઉપવાસ કરવાના છે ત્યાંના શામિયાનાને પણ પોલીસ-પ્રોટેક્શનમાં લઈ લેવામાં આવ્યો છે.