ભારતનું એક પણ ગામ વીજળી વગરનું નહીં હોય : મોદી

24 May, 2017 04:51 AM IST  | 

ભારતનું એક પણ ગામ વીજળી વગરનું નહીં હોય : મોદી

અગામી દિવસોમાં ભારતનું એક પણ ગામ વીજળી વગરનું નહીં હોય એવી નેમ વ્યક્ત કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગાંધીનગરમાં આફ્રિકન ડેવલપમેન્ટ બૅન્કની બાવનમી ઍન્યુઅલ જનરલ મીટિંગનો શુભારંભ કરાવી હળવાશમાં પણ માર્મિક રીતે કહ્યું હતું કે ભારત ભલે લૉન્ગ ડિસ્ટન્સ રનિંગમાં આફ્રિકાને પહોંચી ન વળે, પણ આફ્રિકાના ઉજ્જ્વળ ભવિષ્ય માટે લાંબા સમયગાળા સુધી ખભેથી ખભો મિલાવીને જરૂર દોડી શકશે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગઈ કાલે ઇતિહાસમાં સૌપ્રથમ વખત આફ્રિકાની બહાર યોજાઈ રહેલી આફ્રિકન ડેવલપમેન્ટ બૅન્કની વાર્ષિક બેઠકમાં ૮૧ સભ્યદેશોના પ્રતિનિધિઓને સંબોધતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ભારતે રેલવે, હાઇવે, પાવર અને ગૅસ પાઇપલાઇન જેવી આંતરમાળખાકીય સુવિધાઓમાં મૂડીરોકાણમાં અભૂતપૂર્વ વધારો કર્યો છે. આગામી વર્ષ સુધીમાં ભારતનું એક પણ ગામ વીજળી વગરનું ન રહે એવા મોટા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આવનારા દિવસોમાં મૉડર્ન–ન્યુ ઇન્ડિયાનો કન્સેપ્ટ છે. આવનારા સમયમાં ભારત ક્લાઇમેટ-ફ્રેન્ડ્લી વિકાસ માટે ઉદાહરણરૂપ ગ્રોથ એન્જિન બને એવું અમારું લક્ષ્ય છે.’

વડા પ્રધાને બીજું શું-શું કહ્યું...


વ્યાપાર પ્રવૃત્તિ માટે વિખ્યાત ગુજરાતીઓ આફ્રિકા પ્રત્યેના પ્રેમ માટે પણ પ્રખ્યાત છે. એક ભારતીય તરીકે અને વિશેષ કરીને એક ગુજરાતી તરીકે મને આનંદ છે કે આફ્રિકન ડેવલપમેન્ટ બૅન્કની બેઠક ભારત–ગુજરાતમાં યોજાઈ રહી છે.

આ બેઠક આબિદજાન અને અમદાવાદ સાથે જોડશે. બામકો અને બૅન્ગલોર વચ્ચે બિઝનેસ-લિન્ક સ્થાપશે. ચેન્ïનઈ અને કેપટાઉન ક્રિકેટિંગ લિન્કથી કનેક્ટ થશે. વર્ષોથી મોમ્બાસા અને મુંબઈ વચ્ચે વ્યાપારિક અને સામુદ્રિક વ્યાપારના સંબંધો રહ્યા છે, પરંતુ આ ઍન્યુઅલ મીટિંગથી ભારત અને આફ્રિકાના સંબંધો વધુ પ્રગાઢ બનશે.

આફ્રિકાના વિકાસ માટે ભારતદેશ અમેરિકા અને જાપાન સાથે પણ કાર્યરત છે. આફ્રિકા સાથેની ભારતની પાર્ટનરશિપ શ્રેષ્ઠ વિકાસ સહયોગના પાયા પર રચાયેલી છે જે આફ્રિકન દેશોની જરૂરિયાતોની પરિપૂર્તિ કરશે. આ સહયોગ આફ્રિકન દેશોની આવશ્યકતા અનુસાર અપેક્ષા રહિત હેશે.

સર મોદીએ લીધો ક્લાસ


ગાંધીનગરમાં રાજભવન ખાતે એક કલાક ચાલેલી મીટિંગમાં વિજય રૂપાણી, નીતિન પટેલ અને પ્રધાનો પણ હાજર હતા

આફ્રિકન ડેવલપમેન્ટ બૅન્કની બાવનમી ઍન્યુઅલ જનરલ મીટિંગનો શુભારંભ કરાવવા માદરે વતન આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આ સમારોહ બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળના સભ્યોનો એક કલાકનો ક્લાસ લઈને ગુજરાતની વર્તમાન પરિસ્થિતિને મુદ્દે ચર્ચા કરી હોવાની અટકળો ઊઠી છે.

ગાંધીનગરમાં રાજભવન ખાતે યોજાયેલા લંચ સમયે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તેમ જ પ્રધાનમંડળના સભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠકને મુદ્દે એવી અટકળો ઊઠી છે કે એક કલાક સુધી ચાલેલી આ બેઠકમાં વડા પ્રધાને ગુજરાતમાં પીવાના પાણીના મુદ્દે, હાલમાં જ પારિત કરેલા સ્કૂલ ફી સુધારા વિધેયક તેમ જ હાલમાં જ શાંત દેખાઈ રહેલા પાટીદાર સહિતના સમાજોના આંદોલન વિશે પણ ચર્ચા કરી હોઈ શકે.