કલ્પના કરી હતી ક્યારેય કે સત્યનારાયણની કથામાંથી પણ અરેસ્ટ થાય?

09 May, 2020 08:43 AM IST  |  Rajkot | Rashmin Shah

કલ્પના કરી હતી ક્યારેય કે સત્યનારાયણની કથામાંથી પણ અરેસ્ટ થાય?

પ્રતીકાત્મક તસવીર

ભગવાનનું નામ લેવામાં પણ પોલીસ પકડે એવું ક્યારેય વિચાર્યું હતું ખરું? કોરોનાના કાળા કેર વચ્ચે આવું પણ બનવા માંડ્યું છે. ગુરુવારે સાંજે જામનગર જિલ્લાના બામણ ગામના એક ઘરમાં સત્યનારાયણ દેવની કથા ચાલતી હતી એમાં બાવીસ લોકોની અરેસ્ટ કરવામાં આવી. ભેગા નહીં થવાના કેન્દ્ર સરકારના જાહેરનામાનો ભંગ થતો હોવાનો નનામો ફોન કરીને માહિતી આપવામાં આવતાં જામનગર ગ્રામીણ પોલીસે જયસુખ લુણાગરિયાના ઘરે રેઇડ પાડીને જયસુખભાઈ સહિત બાવીસ જણની અરેસ્ટ કરવામાં આવી હતી. જયસુખભાઈના ઘરની ઓસરીમાં આ કથા ચાલતી હતી. કોરોનાના જાહેરનામાનો ભંગ કરવા બદલ પાડવામાં આવેલી આ રેઇડ વિશે ઇન્સ્પેક્ટર એસ. એમ. રાદડિયાએ કહ્યું કે ‘ચારથી વધારે લોકોન ભેગા થવાની મનાઈ હોવા છતાં કથાનું આયોજન કરીને જાહેરનામાનો ભંગ કર્યો એ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.’
મજાની વાત એ છે કે જયસુખભાઈએ પોતાના ઘરે આ કથા પણ કોરોનાના કેરમાંથી છુટકારાના હેતુથી જ કરાવી હતી. તેમના મનમાં હતું કે સત્યનારાયણ દેવની કથાથી સકારાત્મક વાતાવરણ ઊભું થાય અને કોરોનાના અત્યાચારમાંથી લોકોનો છુટકારો થાય, પણ બન્યું ઊલટું, જયસુખભાઈ સહિત બાવીસ જણનો જેલવાસ શરૂ થયો.

Rashmin Shah gujarat rajkot