ભારતીય મૂળના ટીનેજરને બ્રેઇલ પ્રિન્ટર બનાવવા માટે ઇન્ટેલે આપ્યું મોટું ભંડોળ

12 November, 2014 05:57 AM IST  | 

ભારતીય મૂળના ટીનેજરને બ્રેઇલ પ્રિન્ટર બનાવવા માટે ઇન્ટેલે આપ્યું મોટું ભંડોળ




જોઈ ન શકતા લોકો માટે સસ્તું પ્રિન્ટર વિકસાવવા ઇન્ટેલ કૅપિટલે ૧૩ વર્ષની વયના ભારતીય મૂળના એક સ્ટુડન્ટને મોટું ભંડોળ આપ્યું છે. શુભમ બૅનરજી નામનો આ સ્ટુડન્ટ કોઈ વેન્ચર કૅપિટલ ફર્મ પાસેથી આર્થિક ટેકો મેળવનારો યંગેસ્ટ ટેક્નોલૉજી ઉદ્યોગ-સાહસિક બન્યો છે.

બ્રેઇલ પ્રિન્ટરનું ઉત્પાદન કરતી બ્રેઇગો લૅબ્ઝ નામની કંપનીનો ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર શુભમે ગયા મહિને આ વિશેનો કરાર કર્યો હતો. બ્રેઇલ પ્રિન્ટરની કિંમત ૨૦૦૦ ડૉલર છે, પણ શુભમે બનાવેલું પ્રિન્ટર ૫૦૦ ડૉલરથી પણ ઓછી કિંમતમાં મળશે.

કૅલિફૉર્નિયામાં રહેતા શુભમને ગયા વર્ષ સુધી એ ખબર ન હતી કે બ્રેઇલ એટલે શું. ન જોઈ શકતા લોકો માટે ભંડોળ એકઠું કરવા સંબંધી એક જાહેરાત નજરે પડી ત્યારે શુભમને વિચાર આવ્યો હતો કે ન જોઈ શકતા લોકો વાંચતા કેવી રીતે હશે.

એ પછી સાતમા ધોરણના દરેક સ્ટુડન્ટની માફક શુભમે આ સવાલ તેના પેરન્ટ્સને પૂછ્યો હતો. જવાબ મેળવવા માટે ઇન્ટરનેટનો સહારો લેવાની સલાહ તેના પપ્પાએ આપી હતી. ઇન્ટરનેટ સર્ફિંગ દરમિયાન બ્રેઇલ પ્રિન્ટરની કિંમત વાંચીને શુભમને આઘાત લાગ્યો હતો. પછી સસ્તા દરનું બ્રેઇલ પ્રિન્ટર વિકસાવવાનો ફેંસલો શુભમે કર્યો હતો.

શુભમે લેગો રોબોટિક્સ કિટની અને હોમ ડેપો બ્રેઇગો લૅબ્ઝના પ્રિન્ટરની મદદથી બ્રેઇલ પ્રિન્ટર બનાવ્યું હતું. ટેક અવૉર્ડ્સ-૨૦૧૪માં આ પ્રિન્ટરે શુભમને ભારે વાહવાહી અપાવી હતી. શુભમને અમેરિકન પ્રેસિડન્ટના વ્હાઇટ હાઉસ મેકર ફેરમાં હાજરી આપવાનું આમંત્રણ પણ મળ્યું હતું.

સપ્ટેમ્બરમાં ઇન્ટેલના અધિકારીઓ શુભમને મળ્યા હતા અને એની કંપનીમાં રોકાણ કરવાનો ઇરાદો દેખાડ્યો હતો. ગયા અઠવાડિયે આ કરારને સત્તાવાર સ્વરૂપ આપી દેવામાં આવ્યું હતું. ઇન્ટેલ કેટલું રોકાણ કરવાની છે એ રકમ જાહેર કરવામાં નથી આવી.