અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે હવે દોડશે E-BUS

15 July, 2014 03:25 AM IST  | 

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે હવે દોડશે E-BUS


પ્રદૂષણમુક્ત વાતાવરણ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે ગુજરાત સરકાર રાજધાની ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે ઇલેક્ટ્રિક બસ (E-BUS)નો પાઇલટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ કરશે. સરકારી માલિકીના ગુજરાત પાવર કૉર્પોરેશને આ પ્રોજેક્ટમાં રસ ધરાવતી કંપનીઓ પાસેથી આવેદનપત્રો પણ મગાવ્યાં છે.

આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું હતું કે ‘જાહેર પરિવહનના હેતુસર કૉર્પોરેશન પ્રાયોગિક ધોરણે આ પ્રોજેક્ટ શરૂ કરવાનું છે. એ માટે શરૂઆતમાં પંદરથી વીસ ઇલેક્ટ્રિક બસ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેના ૩૫ કિલોમીટરથી વધુ લાંબા રૂટ પર દોડાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે સિટી બસ જેવી પંદરથી ૪૦ બેઠકોવાળી બસ ખરીદવામાં આવશે.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે ઇલેક્ટ્રિક વેહિકલ્સ અને સૂર્યઊર્જા આધારિત ઇલેક્ટ્રિક ચાર્જિંગ સિસ્ટમના આ પાઇલટ પ્રોજેક્ટની વિચારણા કરી હતી એમ જણાવતાં અધિકારીએ ઉમેર્યું હતું કે કાર્બન ઇમિશન ઘટાડવાના અને પર્યાવરણીય સંતુલન જાળવવાના હેતુસરનો આ પાઇલટ પ્રોજેક્ટ સફળ થશે તો રાજ્યનાં અન્ય શહેરોમાં પણ એનો અમલ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટની વિગત આપતાં અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના રૂટ પર સમાન અંતરે સૂર્યઊર્જા આધારિત ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો પણ ઊભાં કરવામાં આવશે. આ પ્રોજેક્ટ વર્તમાન વર્ષના અંત સુધીમાં શરૂ કરી દેવાનો દાવો રાજ્ય સરકાર કરી રહી છે, પરંતુ એના પ્રારંભિક તબક્કાનું કોઈ ટાઇમટેબલ નક્કી કરવામાં આવ્યું નથી.