26 July, 2023 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમદાવાદ–મુંબઈ હાઇવે પર ભરૂચ પાસે ટ્રાફિક જૅમ.
અમદાવાદ ઃ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ પાસેથી પસાર થતા અમદાવાદ–મુંબઈ હાઇવે પર અઢારેક કિલોમીટર લાંબો ટ્રાફિક જૅમ થયો છે. ભરૂચ નજીક ખરોડ ગામ પાસે ચાલી રહેલી બ્રિજની કામગીરી અને વરસાદના પગલે બિસમાર રસ્તાના કારણે બે દિવસથી વાહનોની લાંબી લાઇનો લાગી છે, જેમાં અસંખ્ય વાહનચાલકો અટવાઈ ગયા છે. એટલું જ નહીં, ટ્રકચાલકોની હાલત કફોડી બની ગઈ છે.
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ–મુંબઈ હાઇવે પર અંકલેશ્વરથી પાર્નોલીની વચ્ચે ખરોડ ગામ આવ્યું છે. આ ગામ પાસે ઓવરબ્રિજ બની રહ્યો છે. એની પાસે સર્વિસ રોડ છે. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસથી ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી આ સર્વિસ રોડના બેહાલ થઈ ગયા છે. રોડ પર ખાડા પડી જતાં વાહનચાલકો અટવાયા છે. રવિવારથી ટ્રાફિક જૅમની સમસ્યા સર્જાઈ છે. બિસમાર થઈ ગયેલા રસ્તાના કારણે વાહનચાલકોને પોતાનાં વાહનો ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી સર્જાઈ રહી છે. રસ્તા પર પડેલા ખાડાઓના કારણે વાહનો સલામતીપૂર્વક, સાચવીને ધીમા ચલાવવા પડી રહ્યાં છે, જેના પગલે એક પછી એક વાહનોની લાઇન લાગતી ગઈ છે. વડોદરાથી મુંબઈ તરફ જતી લાઇનમાં ટ્રાફિક જૅમ થયો છે. ૧૫થી ૧૮ કિલોમીટર રસ્તો પસાર કરતાં-કરતાં વાહનચાલકોના નાકે દમ આવી ગયો છે અને આટલો રસ્તો ક્રૉસ કરતાં અંદાજે સાડાચાર-પાંચ કલાકનો સમય લાગતાં વાહનચાલકો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
હાઇવે પર બિસમાર રસ્તાથી વાહનચાલકોને આટલો રસ્તો પસાર કરતાં એકદમ ધીમે-ધીમે વાહન ચલાવવું પડી રહ્યું છે. કલાકો સુધી ટ્રાફિક જૅમમાં અટવાયેલાં વાહનચાલકો પોતાના વાહનમાં બેસીને ટ્રાફિક હળવો થાય એની રાહ જોઈ રહ્યા છે. ઘણા ચાલકોને તો ભૂખ્યા-તરસ્યા પોતાના વાહનમાં બેસી રહેવાનો વારો આવ્યો છે.