16 September, 2023 11:40 AM IST | Kheda | Shailesh Nayak
મહાદેવ
અમદાવાદ ઃ મધ્ય ગુજરાતમાં ખેડા જિલ્લાના ઠાસરામાં ગઈ કાલે શ્રાવણના છેલ્લા દિવસે શિવજીની સવારી નીકળી હતી, જેના પર તોફાની તત્ત્વોએ પથ્થરમારો કરીને શાંતિનું વાતાવરણ ડહોળવા પ્રયાસ કરતાં તંગદિલી ફેલાઈ ગઈ હતી અને નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારાના કારણે એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ-કર્મચારીઓ ઘવાયા હતા. આ ગંભીર ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઠાસરા દોડી આવ્યા અને મામલો થાળે પાડ્યો હતો.
ઠાસરામાં શિવજીનો વરઘોડો નીકળ્યો હતો. નગરમાં આવેલા નાગેશ્વર મહાદેવથી આ સવારી હર્ષોલ્લાસથી નીકળી હતી અને એમાં સંખ્યાબંધ ભાવિકો જોડાયા હતા. આ સવારી જયઘોષ સાથે તીન બત્તી વિસ્તારમાં પહોંચી ત્યારે શિવજીની સવારી પર અચાનક પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઈ હતી. શિવજીની સવારી પર ધાર્મિક સંસ્થાના એક મકાન પરથી લોકો પથ્થરમારો કરતા વાઇરલ થયેલા વિડિયોમાં દેખાઈ રહ્યા હતા. શિવજીની સવારી પર ઇંટો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો.