અમદાવાદ : તબીબોએ ૯ વર્ષના છોકરાના જમણા હાથને બદલે ડાબા હાથમાં સળિયો નાખી દીધો

16 November, 2011 06:46 AM IST  | 

અમદાવાદ : તબીબોએ ૯ વર્ષના છોકરાના જમણા હાથને બદલે ડાબા હાથમાં સળિયો નાખી દીધો

 

 

મ્યુનિસિપલ કૉર્પોરેશને આ ભૂલ સ્વીકારીને ઑપરેશન કરનાર ત્રણેય ડૉક્ટરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતા અને લેબરકામ કરતા મનોજ લોધાનો ચોથા ધોરણમાં ભણતો ૯ વર્ષનો પુત્ર કૌશિક રમતાં-રમતાં પડી ગયો હતો. જમણા હાથે ફ્રૅક્ચર થતાં તેને  એલ.જી. હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તેના હાથનો એક્સ-રે પાડ્યા બાદ ઑપરેશન જરૂરી જણાતાં અને હાથમાં સળિયો નાખવો પડે એમ હોવાથી ત્રણ રેસિડન્ટ ડૉક્ટરો કૌશિકને સોમવારે રાત્રે ૧૦ વાગ્યે ઑપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. આ ઑપરેશન મોડી રાતે ૧ વાગ્યે પૂરું થયું હતું.

બાળદર્દી કૌશિકના પિતા મનોજે કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે પાંચ વાગ્યે મારા દીકરાને પાણી પિવડાવવાનું હતું ત્યારે તે જમણા હાથે ગ્લાસ પકડી નહોતો શક્યો અને તેણે તેની મમ્મીને કહ્યું હતું કે મને જમણા હાથમાં ખૂબ દુ:ખે છે. ત્યારે તેની મમ્મી સહિત સમગ્ર પરિવારને ખબર પડી હતી કે જમણા હાથને બદલે ડૉક્ટરોએ ભૂલથી ડાબા હાથમાં સળિયો નાખી દીધો છે. એથી પરિવાર ચિંતિત બની ગયો હતો. આ ગંભીર બાબતે સવારે ફરજ પરના ડૉક્ટરનું ધ્યાન દોરતાં તેઓ પરિસ્થિતિ પામી ગયા હતા અને ઑપરેશન કરનાર ડોક્ટરોએ કરેલી ભૂલને સ્વીકારી હતી.’

મનોજ લોધાએ આક્ષેપ કર્યો હતો કે મારા દીકરાનું ઑપરેશન ચાલતું હતું ત્યારે ઑપરેશન થિયેટરમાં મોબાઇલ પર મ્યુઝિક વાગતું હતું અને ડૉક્ટરો ગીત સાંભળતા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિરોધપક્ષના નેતા બદરુદ્દીન શેખે આ ગંભીર બાબતે મ્યુનિસિપલ કનિશનર સમક્ષ આ માનવસર્જિત ગુનાહિત કૃત્ય બદલ ત્રણેય ડૉક્ટરોને ટર્મિનેટ કરવાની માગણી કરી હતી અને લેબરવર્ક કરતા પરિવારને એક લાખ રૂપિયાની સહાય આપવાની માગણી કરી હતી.

ગંભીર ઘટનાની તપાસ માટે ઇન્ક્વાયરી કમિટી

અમદાવાદના મ્યુનિસિપલ-કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રાએ કહ્યું હતું કે આ કેસમાં પ્રાથમિક રીતે બેદરકારી જણાઈ આવી છે અને આ ઘટનાની તપાસ માટે ઇન્ક્વાયરી-કમિટી નીમી છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. એમ. એમ. પ્રભાકરના વડપણ હેઠળ તબીબોની ટીમ બનાવીને તેમણે જવાબદારો સામે કડક પગલાં લેવાનો આદેશ કર્યો છે.

બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની હૉસ્પિટલ કમિટીના ચૅરમૅન ભૂપેન્દ્ર શાહે કહ્યું હતું કે ‘આ બેદરકારી જ છે અને એને કોઈ સંજોગોમાં ચલાવી ન લેવાય. આ ઑપરેશન કરનાર સેકન્ડ યર ઓર્થોના રેસિડન્ટ ડૉક્ટર કૌશલ શાહ, ડૉક્ટર ઉમેશ ચૌધરી અને થર્ડ યર રેસિડન્ટ ડૉક્ટર જયમીનસિંહ ચાવડાને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હતા. આ ઉપરાંત અસોસિએટ પ્રોફેસર ડૉ. ભાવેશ જેસલપુરાને શો-કૉઝ નોટિસ પાઠવી છે.’