Doctor's Day 2019: મળો રાજકોટના એક એવા ડૉ.ને મ્યુઝિકને માને છે થેરાપી

01 July, 2019 03:42 PM IST  |  રાજકોટ | ફાલ્ગુની લાખાણી

Doctor's Day 2019: મળો રાજકોટના એક એવા ડૉ.ને મ્યુઝિકને માને છે થેરાપી

મળો રાજકોટના એક એવા ડૉ.ને મ્યુઝિકને માને છે થેરાપી

ડૉક્ટર રાજેશ તૈલી..રાજકોટમાં જાણીતા જનરલ ફિઝિશિયનમાંથી એક. વર્ષોથી તેઓ રાજકોટમાં પ્રેક્ટિસ કરે છે. સાથે તેઓ એક અનોખું કામ પણ કરે છે અને તે છે ડૉક્ટર મિત્રોની સાથે મળીને જ્યારે સમય મળે ત્યારે કરાઓકે સિંગિગનો કાર્યક્રમ કરવાનો. આ કાર્યક્રમ તેઓ નામના કે આર્થિક હેતુથી નથી કરતા માત્ર નિજાનંદ માટે કરે છે. અને તેમના આ કાર્યક્રમ એટલા લોકપ્રિય છે કે લોકો તેની રાહ જોતા હોય છે. ચાલો કેવી રીતે થઈ આ સંગીતમય સફરની શરૂઆત..

તણાવમાં રાહત આપે છે સંગીત
કરાઓકે કાર્યક્રમની શરૂઆત કેવી રીતે થઈ તેના વિશે gujaratimidday.com સાથે વાત કરતા ડૉ. રાજેશ તેલી કહે છે કે, 'હાલના સમયમાં હ્રદય રોગ, બીપી, ડાયાબિટીસના કિસ્સા વધતા જાય છે. મને પણ મારા કામના લીધે તણાવ રહેતો હતો અને તેને લગતી તકલીફો પણ થતી હતી. મારા ઘરમાં સંગીતનું વાતાવરણ છે. મારા પિતા સારું ગાતા હતા. મારા બંને બાળકોએ સંગીતની તાલિમ મેળવી છે. એટલે મેં તણાવથી રાહત મેળવવા માટે સંગીતનો સહારો લેવાની શરૂઆત કરી.'


આવી રીતે શરૂ કર્યા કાર્યક્રમ
ડૉ. તેલીને વિચાર આવ્યો કે સાથે મળીને સંગીતનો કોઈ કાર્યક્રમ કરી શકાય. ડૉક્ટર્સની લાઈફ બિઝી હોય છે એટલે તેમને ઓર્કેસ્ટ્રા સાથે પ્રેક્ટિસ કરવાનો સમય ન મળે. એટલે તેમણે કરાઓકે સાથે પ્રેક્ટિસ કરવાનું નક્કી કર્યું. 2006થી શરૂઆત કરી. 3-4 ડૉક્ટર મિત્રો ભેગા થઈને અને સાથે મળીને કરાઓકે પર ગાતા અને આનંદ કરતા. ધીમે ધીમે લોકોને મજા આવવા લાગી અને સાંભળવા વાળો વર્ગ પણ ભેગો થવા લાગ્યા. ક્યારેક તો એવું થયું કે હૉલની ક્ષમતા કરતા વધારે લોકો હોય.

સ્વખર્ચે કરે છે શો
ડૉક્ટર રાજેશ તેલી અને તેમના ડૉક્ટર મિત્રો સાથે મળીને આ શોનો ખર્ચ આપે છે. શો માટે કોઈ ટિકિટ નથી હોતી. આમંત્રણ આપવામાં આવે છે. જ્યારે શો હોય ત્યારે લોકોને વ્હોટ્સએપથી જાણ કરવામાં આવે છે. શોને સારો પ્રતિભાવ મળતા આ ડૉક્ટ્સે સમય મળ્યે તાલીમ લેવાનું પણ શરૂ કર્યું છે.

દર્દીઓને કરે છે મદદ
શોના માધ્યથી આ ડૉક્ટર્સ દર્દીઓને પણ મદદ કરે છે. શો દરમિયાન તેઓ લોકોને માહિતી આપે છે કે કોઈ દર્દી છે અને તેમને આર્થિક મદદથી જરૂર છે. તો શ્રોતાઓને ચેકના માધ્યમથી યથાશક્તિ મદદ કરવાની અપીલ કરવામાં આવે છે.



જાગૃતિ ફેલાવવાનું કરે છે કામ
ડૉક્ટર્સનું આ ગ્રુપ સંગીતના શો નિજાનંદ માટે કરે છે સાથે ત્યાં આવેલ શ્રોતાઓમાં જાગૃતિ લાવવાનું પણ કામ કરે છે. શો દરમિયાન તેઓ હ્રદય રોગ અને તેના કારણો, ઓર્ગન ડોનેશન જેવા વિષયો પર માહિતી આપે છે.

સંગીતમાં છે આટલી શક્તિ
ડૉક્ટર રાજેશ તેલી કહે છે કે, 'સંગીતમાં હીલિંગ પાવર છે. તેનું એક ઉદાહરણ છે કે મારા એક દર્દી છે. તેમનો 14 વર્ષનો પુત્ર મેન્ટલી રીટાર્ડેડ છે. તેની સમસ્યા એવી છે કે તે 5 થી 10 મિનિટથી વધારે સ્થિર નથી બેસી શકતો. તેઓ એક કાર્યક્રમમાં તેમના દીકરા સાથે આવ્યા અને તે દીકરો 2 કલાક સુધી કાર્યક્રમમાં શાંત બેસી રહ્યો. જેના પરથી કહી શકાય કે સંગીતમાં ઘણી તાકાત છે. તે ધ્યાન સમાન છે.'

પ્રોગ્રામથી દર્દી - ડૉક્ટર વચ્ચેનો સંબંધ મજબૂત બને છે
પ્રોગ્રામના ફાયદા વિશે ડૉક્ટર રાજેશ તેલી જણાવતા કહે છે કે આનાથી ડૉક્ટર અને દર્દીઓ વચ્ચેનો સંબંધ મજબૂત બને છે. તેમના વચ્ચે વિશ્વાસનો સેતુ બંધાય  છે. આજકાલ જે ડૉક્ટર પર હુમલાઓના કિસ્સા સામે આવે છે તેવું જો આવા કાર્યક્રમોથી સંબંધો મજબૂત થાય તો ન બને.

ડૉક્ટર્સ ડે પર દર્દીઓને સંદેશ
દર્દીઓને સંદેશ આપતા ડૉક્ટર રાજેશ તૈલી  કહે છે કે, અત્યારની આપણી જીવન શૈલી અને તણાવ આપણને બીમારીઓ તરફ ધકેલી રહી છે. એમાં સૌથી મોટો ભાગ નકારાત્મક વિચારો ભજવે છે. તમે જ્યારે કરાઓકે કરો છો ત્યારે તમારું મગજ તેમાં વ્યસ્ત રહે છે. જેથી તમને સકારાત્મકતાનો અનુભવ થાય છે. આજકાલ કુટુંબો જુદા પડી રહ્યા છે. જો આવા કાંઈ કાર્યક્રમો થાય તો તેમનું પણ બોન્ડિંગ જળવાઈ રહે.

ડૉક્ટર્સ ડે પર સાથી ડૉક્ટર્સને સંદેશ
ડૉક્ટર્સ ડે પર સાથી મિત્રોને સંદેશો આપતા ડૉ. રાજેશ તેલી કહે છે કે તેમણે દિવસ - રાત જોયા વગર કામ ન કરવું જોઈએ. શરીરની મર્યાદાઓને પણ સ્વીકારવી જોઈએ અને પોતાના સ્વાસ્થ્ય માટે પણ જાગૃત રહેવું જોઈએ. અને એના માટે સંગીત શ્રેષ્ઠ છે.

rajkot gujarat