અમદાવાદની સંસ્થાની જોઈ ન શકતી યુવતીઓના હાથે બનેલા એક લાખ દીવડા દિવાળીમાં ઉજાસ રેલાવશે

23 October, 2014 06:21 AM IST  | 

અમદાવાદની સંસ્થાની જોઈ ન શકતી યુવતીઓના હાથે બનેલા એક લાખ દીવડા દિવાળીમાં ઉજાસ રેલાવશે




શૈલેશ નાયક

સામાન્ય રીતે જોઈ ન શકતી વ્યક્તિઓને જોઈને માનવસ્વભાવ સહજ આપણને અનુકંપા થઈ આવવા સાથે તેમને કંઈક મદદ કરવાની ઇચ્છા થઈ આવે, પરંતુ અમદાવાદમાં એક એવી સંસ્થા છે જેણે જોઈ ન શકતી કિશોરીઓ-યુવતીઓના જીવનમાં અજવાળું પાથરવાનું કામ કરવાની સાથે તેઓ જિંદગીમાં પગભર બની શકે એ માટે તેમને વિવિધ વસ્તુઓ બનાવતાં શીખવી છે. તમે માનશો નહીં પણ ટ્રેઇનિંગ દરમ્યાન થતા પ્રોડક્શનમાંથી વર્ષેદહાડે અંદાજે ૧૦ લાખ રૂપિયાનો બિઝનેસ આ જોઈ ન શકતી બહેનો કરી રહી છે અને તેઓ ઓશિયાળી જિંદગી જીવવી ન પડે એ માટે જાતમહેનત કરીને જીવનમાં ઉજાસ રેલાવી રહી છે.

અમદાવાદના મેમનગર વિસ્તારમાં અંધ કન્યા પ્રકાશગૃહ નામની સંસ્થા આવેલી છે જ્યાં હાલમાં જોઈ ન શકતી ૧૮૦ જેટલી કિશોરીઓ-યુવતીઓ રહે છે. અંધ કન્યા પ્રકાશગૃહનાં પ્રોજેક્ટ કો-ઑર્ડિનેટર સ્મિતા શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘જોઈ ન શકતી યુવતીઓને અહીં મીણના દીવડા, પગલુછણિયાં, શિંગ-તલની ચીકી, રાખડી, ઑફિસની ફાઇલો તેમ જ નવરાત્રિના આર્ટિફિશ્યલ ઑર્નામેન્ટ બનાવતાં શીખવવામાં આવે છે અને એક્ઝિબિશન પણ કરવામાં આવે છે. ટ્રેઇનિંગ દરમ્યાન જે પ્રોડક્શન થાય એનું સેલિંગ કરવામાં આવે છે અને વર્ષે લગભગ ૧૦ લાખ રૂપિયાનું ટર્નઓવર થાય છે. સંસ્થામાં માત્ર શીખવવાનું કામ કરાવવામાં આવે છે એવું નથી, કામ શીખતી કિશોરીઓ-યુવતીઓને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે.’

આ કિશોરીઓ-યુવતીઓને વિવિધ વસ્તુઓ બનાવતાં શીખવાડવા પાછળનું કારણ જણાવતાં સ્મિતા શાહ કહે છે, ‘આની પાછળનો મૂળ હેતુ છે આ યુવતીઓ તેમના જીવનમાં પગભર થઈ શકે એ. અહીં રહેતી જોઈ ન શકતી યુવતીઓનાં લગ્ન પણ કરાવી આપવામાં આવે છે અને તે જ્યારે તેના સાસરે જાય ત્યાં તે આ વસ્તુઓ બનાવતાં શીખી હોય તો પૈસા કમાઈ શકે છે. હાલમાં અંદાજે ૧૦૦ જેટલી યુવતીઓ સાસરે ગયા પછી પોતાના ઘરે પગભર થઈ શકી છે અને તેમના ઘરમાં હેલ્પફુલ બની રહી છે. આ યુવતીઓને રસોઈ બનાવતાં પણ શીખવવામાં આવે છે જેથી તેઓ સ્વાવલંબી બની શકે.’

સલમાન ખાને સંસ્થાને પાંચ લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું

સલમાન ખાન તેની ફિલ્મ ‘રેડી’ના પ્રમોશન માટે અમદાવાદ આવ્યો હતો ત્યારે રાત્રે અંધ કન્યા પ્રકાશગૃહ સંસ્થાની તેણે મુલાકાત લીધી હતી. અહીં રહેતી કિશોરીઓ-યુવતીઓને મળીને અને તેમની સાથે વાત કરીને તેણે તેમને પ્રોત્સાહિત કરી હતી તેમ જ પાંચ લાખ રૂપિયાનું દાન સંસ્થાને આપ્યું હતું.

વસ્તુઓ કોણ ખરીદે છે?

આ કિશોરીઓ-યુવતીઓને પ્રોત્સાહન મળે એ માટે સંસ્થામાં બનાવેલી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે જેને સમાજમાંથી સપોર્ટ મળી રહ્યો છે. તેમણે બનાવેલી વસ્તુઓના ક્લાયન્ટ છે અમદાવાદની સ્પોર્ટ્સ ક્લબ, રાજપથ ક્લબ, વલ્લભસદન, અદાણી ગ્રુપ, કાળુપુર બૅન્ક, ટૉરન્ટ પાવર, કૅન્સર હૉસ્પિટલ, જુદી-જુદી સંસ્થાઓ અને ટ્રસ્ટીઓ, શહેરના ડૉક્ટરો, ઍડ્વોકેટ સહિતના નાગરિકો. તેઓ દીવડા, રાખડીઓ, ફાઇલો સહિતની વસ્તુઓ ખરીદીને લઈ જાય છે.

શરૂઆત કેવી રીતે?

અંધ કન્યા પ્રકાશગૃહ સંસ્થાની શરૂઆત જૂન, ૧૯૫૪માં અમદાવાદમાં પોળના એક ભાડાના મકાનમાં ચાર વિદ્યાર્થિનીઓથી થઈ હતી. ત્યાર બાદ મેમનગર ગામમાં ૧૯૬૬માં ગુજરાત સરકારે જમીન ફાળવી હતી અને સંસ્થાનું મકાન બન્યું હતું જેમાં અંધ કન્યા પ્રકાશગૃહ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા પ્રકાશગૃહ સ્કૂલ, કંચનગૌરી મંગળદાસ અંધ કન્યા આશ્રમ અને કંચનગૌરી મંગળદાસ તાલીમ કેન્દ્ર ચાલે છે. સંસ્થામાં સમાજની આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતી ફૅમિલીની જોઈ ન શકતી કિશોરીઓ-યુવતીઓને અભ્યાસ કરાવવામાં આવે છે અને રાખવામાં આવે છે તથા તેમને પગભર થવામાં સંસ્થા સહાયરૂપ થાય છે.