જરૂર પડે તો બૅટને ધોકો બનાવી ઠોકજો : કેશુભાઈ

30 November, 2012 03:25 AM IST  | 

જરૂર પડે તો બૅટને ધોકો બનાવી ઠોકજો : કેશુભાઈ

કેશુભાઈ પટેલે કહ્યું હતું કે ‘આ ઇલેક્શનમાં મતદારો પાસે બૅટ લઈને જવાનું છે, પણ જો કોઈ બીજી પાર્ટીના કાર્યકર્તાઓ આડાઈ કરે તો કોઈનોય વિચાર કર્યા વિના બૅટને ધોકો બનાવીને ઠોકજો અને કહેજો કે કાંડામાં તાકાત છે, પણ ખાલી મર્યાદા નડે છે.’

ગઈ કાલે જીપીપીના વડા કેશુભાઈ પટેલને એવી ફરિયાદ નડી હતી કે ઇલેક્શનનાં અલગ-અલગ સેન્ટર પર તેમના ઉમેદવારના કાર્યકર્તાઓ સાથે બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા તોછડાઈ કરવામાં આવે છે અને નડતર બનવામાં આવે છે. આવી ફરિયાદ બે-ત્રણ દિવસથી આવતી હોવાથી ગઈ કાલે કેશુભાઈ પટેલે તમામ જિલ્લા મથક પર ફોન કર્યા હતા અને જરૂર પડ્યે બૅટને ધોકો બનાવવાની સલાહ આપી હતી. ગઈ કાલે સાંજે નરેન્દ્ર મોદીએ થ્રી-ડી ટેક્નૉલૉજીથી કાર્યકર્તાઓ સાથે ગુજરાતમાં ૨૬ જાહેર સભાઓ સંબોધી હતી તો તેમની સામે કેશુભાઈ પટેલે સાવ સીધી અને સાદી કહેવાય એવી ટેલિફોનિક સભા સંબોધી હતી અને કાર્યકર્તાઓને સાથે વાતચીત કરી હતી. બન્નેનો સમય પણ લગભગ એક જ રહ્યો હતો.

કેશુભાઈએ કરેલા ફોનને લાઉડ સ્પીકર સાથે કનેક્ટ કરવામાં આવતો હોવાથી એ ફોન-કૉલ સભા સ્થળે હાજર રહેલા તમામ કાર્યકર સાંભળી શકતા હતા.