માતા-પિતાએ પુત્રના મૃત્યુ પર સૌનાં મોઢાં મીઠાં કરાવ્યાં

09 November, 2011 08:33 PM IST  | 

માતા-પિતાએ પુત્રના મૃત્યુ પર સૌનાં મોઢાં મીઠાં કરાવ્યાં



(રશ્મિન શાહ)

રાજકોટ, તા. ૯

એકનો એક જુવાનજોધ દીકરો ઘરેથી નીકળે ત્યારે અઠવાડિયામાં પાછો આવવાનું કહીને જાય પણ ત્રણ દિવસ પછી તેનો મૃતદેહ ઘરે પાછો આવે તો મા-બાપની મનોદશા કેવી હોય? સ્વાભાવિક છે કે મા-બાપનું મનોબળ ભાંગી જાય અને તેમને સાચવવાં અઘરાં પડી જાય, પણ રાજકોટ જિલ્લાના ધોરાજી ગામના પીપરવાડ વિસ્તારમાં રહેતા નવનીતરાય કાચા અને તેમનાં પત્ની હેમલતાબહેનનું મનોબળ ખરેખર તમામ લોકો માટે ઉમદા ઉદાહરણ સમાન છે.

ધોરાજીની ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કમાં જૉબ કરતા અને ભગવાન શ્રી સ્વામિનારાયણમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા નવનીતરાય કાચાનો એકનો એક ૨૦ વર્ષનો દીકરો પ્રતીક સેવા કરવા માટે દિવાળીની રજામાં સાળંગપુરમાં આવેલા બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરે ગયો અને શનિવારે રાતે મંદિરના ગુંબજ પર લગાડેલી રોશની ઉતારવા જતાં પગ લપસ્યો અને તે નીચે પટકાયો. પ્રતીકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પ્રતીકના મૃત્યુ પછી બધાને એમ લાગ્યું હતું કે નવનીતરાય અને તેમનાં પત્ની માનસિક રીતે ભાંગી પડશે પણ બન્નેએ જબરદસ્ત શ્રદ્ધા સાથે મન મજબૂત રાખ્યું હતું. નવનીતરાયે કહ્યું હતું કે ‘અમારો દીકરો સ્વામીબાપાની સેવા કરવા માટે અક્ષરધામ ગયો છે. બાપાએ જ અમને આપ્યો હતો અને હવે બાપાએ જ તેને ત્યાં બોલાવ્યો છે. એમાં હરખ કરવાનો હોય, શોક થોડો મનાવવાનો હોય.’

સહેજ પણ ખચકાટ કે વેદના અનુભવ્યા વિના સોમવારે કાચા દંપતીએ પ્રતીકની અંતિમક્રિયા કરી હતી. અંતિમક્રિયા પછી જ્યારે સત્સંગી અને પરિવારના વડીલોએ પ્રતીકનું ઉઠમણું, અગિયારમું અને એ પછી લીલ પરણાવવાની વિધિ કરવાનું કહ્યું ત્યારે નવનીતરાય અને હેમલતાબહેને સ્પષ્ટતા કરી દીધી હતી કે આ પ્રકારની એક પણ વિધિ કરવામાં નહીં આવે. કોઈ પણ પ્રકારની લૌકિક ક્રિયા નહીં કરવાનું નક્કી કરનારા નવનીતરાયે ગઈ કાલે મોઢે થવા આવનારાઓને પ્રેમથી પેંડા અને સાકર ખવડાવ્યાં હતાં. નવનીતરાયે કહ્યું હતું કે ‘મારી જેમ પ્રતીકની પણ સ્વામીબાપા પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી. હવે એ અમારી છત્રછાયામાંથી નીકળીને બાપાની છત્રછાયામાં ગયો છે, આનાથી રૂડું બીજું શું હોય?’

કમ્પ્યુટર ઍપ્લિકેશનમાં ગ્રૅજ્યુએશન કરતો પુત્ર પ્રતીક અક્ષરધામવાસી થયો છે એની ખુશીમાં ઘરે આવનારાઓને પ્રેમથી પેંડા અને સાકર ખવડાવી રહેલાં નવનીતરાય અને હેમલતાબહેનને જોઈને તેમનાં સગાંસંબંધીઓ પણ અવાચક બની ગયાં હતાં.

પ્રમુખસ્વામીએ ફોન કર્યો

પ્રતીકના અવસાન પછી જે ધૈર્ય અને સમતા કાચા દંપતીએ દર્શાવી એ સાંભળીને અત્યારે મુંબઈ બિરાજતા પ્રમુખસ્વામીમહારાજે પણ નવનીતરાય સાથે ફોન પર વાત કરી હતી અને તેમને કહ્યું હતું કે ‘સંતત્વ પામ્યા પછી પણ જે સમતા ભાગ્યે જ જોવા મળતી હોય છે એ સમતા તમે દાખવીને સમાજને માનસિક શાંતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું છે.’