અંજારના સોનીપરિવારના બે યુવાનો ૨૩ દિવસ પછી રાજકોટમાંથી મળ્યાં

11 September, 2012 05:37 AM IST  | 

અંજારના સોનીપરિવારના બે યુવાનો ૨૩ દિવસ પછી રાજકોટમાંથી મળ્યાં



કચ્છના અંજાર ગામથી ૧૭ ઑગસ્ટે ગાંધીધામથી ૧૩,૦૦૦ રૂપિયાની ઉઘરાણી કરવા મોટરબાઇક પર સોનાના ચેઇન અને વીંટી પહેરીને નીકળેલા બે યુવાનો ગાંધીધામથી ૮૦૦૦ રૂપિયાની ઉઘરાણી કરીને અંજાર જવા નીકળ્યાં બાદ ૨૩ દિવસે શનિવારે રાજકોટના રસ્તા પર અર્ધબેભાન હાલતમાં પડેલા મળી આવ્યા હતા. અંજારપોલીસ આ બાબતની વધુ તપાસ કરી રહી છે.

અંજાર ગામના ૨૦ વર્ષના ધરમ હસમુખ સોની (પોમલ) અને ૨૧ વર્ષના નિખિલ દીપક સોની (બારમેડા) ૧૭ ઑગસ્ટે ધરમના પપ્પા હસમુખ સોનીના એક ગ્રાહક પાસે ૧૩,૦૦૦ રૂપિયાની ઉઘરાણી કરવા ધરમની મોટરબાઇક લઈને ગાંધીધામ ગયા હતા. ગાંધીધામથી તેઓ ૮૦૦૦ રૂપિયાની ઉઘરાણી લઈને પાછા અંજાર જવા નીકળ્યાં હતા, પરંતુ ૨૩ દિવસ સુધી ઘરે પહોંચ્યા નહોતા. આ બાબતની તેમના કુટુંબીજનોએ અંજારપોલીસમાં ફરિયાદ કરી હતી. એ દરમ્યાન આ યુવાનોનાં સગાંને અંજારમાં એવા સમાચાર મળ્યાં હતા કે ગાંધીધામથી ૧૭ ઑગસ્ટે ગુમ થયેલા બન્ને યુવાનો ધરમ અને નિખિલ ૨૨ ઑગસ્ટે બોરીવલી તરફ જોવા મળ્યાં હતા. આ બન્ને યુવાનો પાસે ૮૦૦૦ રૂપિયાની સાથે શરીર પર ચાર-પાંચ તોલાની સોનાની ચેઇન અને વીંટી હતાં.

આ બન્ને યુવાનો મળી ગયા હોવાની માહિતી આપતાં ધરમ પોમલના ફુઆ દિલીપ સોનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મુંબઈ આ બન્ને યુવાનોને શોધવા આવ્યા ત્યારે ‘મિડ-ડે’એ કરેલી મદદ માટે અમે એના આભારી છીએ. શનિવારે સાંજે અમારા પર રાજકોટના એક વેપારીનો ફોન આવ્યો હતો કે ધરમ અને નિખિલ રસ્તા પર અર્ધબેભાન હાલતમાં મળી આવ્યા છે. અમે તરત જ રાજકોટપોલીસનો સંપર્ક કરીને તેમને અંજાર લઈ આવ્યા હતા. એ સમયે તેમની પાસે ગજવામાં ફક્ત ૨૦ રૂપિયા જ હતા. તેમની મોટરબાઇક, સોનાની ચેઇન, વીંટી, ઉઘરાણીના ૮૦૦૦ રૂપિયા કાઈ જ નહોતું.’