મહાકાલનાં દર્શન કરવા ઉજ્જૈન જવા નીકળેલા ભક્તો વરસાદને કારણે ભરૂચ અને વડોદરા વચ્ચે ફસાઈ ગયા

29 August, 2024 08:04 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અવંતિકા એક્સપ્રેસમાં મુંબઈથી સેંકડો ભાવિકો નીકળ્યા હતા, પણ દસ કલાક સુ‍ધી ખાધા-પીધા વગર અટકી ગયા

રેલવે-ટ્રૅક પર પાણી ભરાઈ જવાથી ભરૂચ અને વડોદરા સ્ટેશનની વચ્ચે ઊભી રહી ગયેલી અવંતિકા એક્સપ્રેસ

ગુજરાત અને કચ્છમાં બે દિવસથી વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે વેસ્ટર્ન રેલવેએ અનેક ટ્રેનો રદ કરી છે, પણ પરિસ્થિતિને અનુરૂપ બહારગામની અમુક ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જોકે મંગળવારે રાતે ઇન્દોર તરફ જતી અવંતિકા એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી એના રૂટીન સમયે એટલે કે રાતના ૯.૦૧ વાગ્યે નીકળ્યા પછી ભરૂચ અને વડોદરામાં ભારે વરસાદને કારણે રેલવે-ટ્રૅક પર પાણી ભરાઈ ગયાં હોવાથી ૧૦ કલાક મોડી ઉજ્જૈન પહોંચી હતી. એને કારણે મુંબઈથી મહાકાલનાં દર્શન કરવા નીકળેલા હજારો ભાવિકો હેરાનપરેશાન થઈ ગયા હતા.

આ ટ્રેન એના રૂટીન સમય પ્રમાણે મંગળવારે મોડી રાતના એક વાગ્યે ભરૂચ સ્ટેશન પહોંચી ગઈ હતી, પરંતુ ભરૂચ અને વડોદરામાં મુશળધાર વરસાદને કારણે રેલવે-ટ્રૅક પર પાણી ભરાયાં હોવાથી ભરૂચ સ્ટેશન પર જ ૧૦ કલાક ઊભી રહી ગઈ હતી. ત્યાં પૅસેન્જરોને પીવાના પાણીથી લઈને ખાવાની કોઈ વસ્તુ મળી નહોતી. આથી હજારો મુસાફરો કલાકો સુધી ટ્રેનમાં બેસીને અકળાઈ ગયા હતા.

આ બાબતની માહિતી આપતાં પરિવાર સાથે મહાકાલનાં દર્શન કરવા ઉજ્જૈન જઈ રહેલા ગ્રાન્ટ રોડ પાસે નાના ચોકમાં રહેતા ૫૬ વર્ષના બિઝનેસમૅન મુકેશ દોશીએ તેમને અને અન્ય મુસાફરોને થયેલી મુશ્કેલીની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારથી ગુજરાત અને કચ્છમાં પડી રહેલા વરસાદને કારણે અનેક ટ્રેનો રદ થઈ રહી હોવાના સમાચાર મળતાં અમને પહેલાં થયું કે અમે શ્રાવણ મહિનાને કારણે મહાકાલનાં દર્શન કરવા જઈ નહીં શકીએ. અમે ઘણા સમયથી દર્શન કરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો એટલે મન ઊંચું થઈ ગયું હતું. જોકે પછી અમને ખબર પડી કે અવંતિકા એક્સપ્રેસને કોઈ જ પ્રૉબ્લેમ નથી એટલે મંગળવારે સાંજના ફુલ મૂડમાં અમે ટ્રેનમાં બેઠા હતા. બધા શાંતિથી સૂઈ ગયા હતા. સવારે છ વાગ્યે અચાનક આંખ ઊઘડી ત્યારે ખબર પડી કે વડોદરામાં મુશળધાર વરસાદ હોવાથી અને રેલવે-ટ્રૅક પર પાણી ભરાઈ ગયાં હોવાથી ટ્રેન ભરૂચ અને વડોદરા સ્ટેશનની વચ્ચે જ અટકી ગઈ હતી અને પાણી ઊતરે નહીં ત્યાં સુધી આગળ જઈ શકશે નહીં. ટ્રેન અધવચ્ચે અટકી ગઈ હોવાથી સવારે ચા-પાણી પીવાની ઇચ્છા થઈ હોવા છતાં અમને કંઈ જ મળી શકે એમ નહોતું. વરસાદને કારણે પીવાના પાણીની સગવડ પણ નહોતી. અન્ય કોઈ સુવિધાઓ પણ ઉપલબ્ધ નહોતી. અમારી ટ્રેનમાં મોટા ભાગના મુસાફરો મહાકાલનાં દર્શન કરવા ઉજ્જૈન જઈ રહ્યા હતા. તેમની હાલત કફોડી થઈ ગઈ હતી. એમાં પણ બાળકો સાથે જે પરિવારો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તેમની હાલત વધારે કફોડી હતી. અમુક લોકોને બહારથી વાહન પકડીને રોડ-વેથી આગળ જવું હતું તો રેલવે-પોલીસે કહ્યું કે વડોદરામાં રેલવે-ટ્રૅક પર એટલાં બધાં પાણી છે કે પછી એક પણ બાજુના નહીં રહો. આથી પૅસેન્જરો માટે કોચમાં બેસી રહેવા સિવાય કોઈ જ રસ્તો નહોતો. આખરે ગઈ કાલે બપોરે વડોદરાથી ટ્રેન ઉજ્જૈન જવા નીકળી હતી. અમે ગઈ કાલે સવારે ૭.૩૦ વાગ્યે ઉજ્જૈન પહોંચવાના હતા એને બદલે સાંજના પોણાછ વાગ્યા પછી પહોંચ્યા હતા. અમારે અવંતિકા એક્સપ્રેસમાં જ મુંબઈ પાછા ફરવાનું હતું, પણ હવે ખબર નથી કે અમારાં સમયસર દર્શન થશે કે નહીં અને ત્યાર પછી અમને અવંતિકા એક્સપ્રેસ પાછી મળી શકશે કે નહીં.’

Gujarat Rains bharuch vadodara gujarat gujarat news