સોમનાથ મહાદેવને નવ કરોડનું સોનું ચડાવવાની ઑફર

02 November, 2012 05:33 AM IST  | 

સોમનાથ મહાદેવને નવ કરોડનું સોનું ચડાવવાની ઑફર

દિલ્હીસ્થિત એક બિઝનેસમૅને સોમનાથ મહાદેવ મંદિરમાં આવેલા જ્યોતિર્લિંગ ફરતે ગોઠવાયેલા આ થાળ માટે નવ કરોડની કિંમતના પચીસ કિલો સોનાની ઑફર કરી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી. કે. લહેરીએ કહ્યું હતું કે ‘દાદા પ્રત્યેની શ્રદ્ધાના કારણે થાળ બનાવવા માટે અમને વીસ કિલો સોનાની ઑફર આવી છે, પણ ૨૨.૬ મીટરનો આ થાળ બનાવવામાં અંદાજે પચીસ કિલો સોનાની જરૂરિયાત હોવાથી શ્રદ્ધાળુએ પચીસ કિલો સોનું આપવા માટે તૈયારી દર્શાવી છે. અત્યારે થાળની ડિઝાઇન તૈયાર થઈ રહી છે. આ ડિઝાઇન તૈયાર થયા પછી એક્ઝૅક્ટ કેટલા ગોલ્ડની જરૂર પડશે એની ખબર પડશે.’

સોમનાથ મહાદેવ અત્યારે ચાંદીના થાળમાં બિરાજમાન છે. આ ચાંદીનો થાળ રાજકોટમાં બનાવવામાં આવ્યો હતો. ચાંદીના થાળ માટે ૨૪.૯ કિલો ચાંદી વાપરવામાં આવી હતી. મહાદેવ માટે બનાવવામાં આવનારા સોનાના થાળની ડિઝાઇન બનાવવાનું કામ રાજકોટના એક જ્વેલરને સોંપવામાં આવ્યું છે, પણ આ થાળ બનાવવાનું કામ ઉત્તરાખંડમાં આવેલા બદરીનાથ મંદિરનો થાળ જેણે બનાવ્યો છે એ કારીગરોને સોંપવામાં આવશે. ડિસેમ્બરના અંત ભાગ સુધીમાં સોનાનો થાળ તૈયાર થઈ જાય એવી શક્યતા છે. સોનાનો થાળ આખો ડિટૅચેબલ હશે જે જ્યોતિર્લિંગ ફરતે મૂકી દેવામાં આવશે. આ સોનાનો થાળ ચડાવતી વખતે સોમનાથમાં ઉત્સવ પણ ઊજવવામાં આવશે.

કોણ છે આ બિઝનેસમૅન?

૨૫ કિલો સોનું ડોનેટ કરવાની તૈયારી દર્શાવનારા બિઝનેસમૅનનું નામ જાહેર કરવા શ્રી સોમનાથ ટ્રસ્ટ તૈયાર નથી, પણ આ બિઝનેસમૅન દેશના ટૉપ દસ પૈકીના એક બિઝનેસમૅન છે એવું સ્વીકારે છે.