આજથી છેક ૧૪ જૂન સુધી બિપરજૉયનું ટેન્શન ગુજરાતમાં શરૂ

08 June, 2023 10:32 AM IST  |  Ahmedabad | Rashmin Shah

૪૮ કલાક છે સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાત માટે ભારે

તાકાતવર બિપરજૉય સાઈક્લૉનની સૅટેલાઇટ તસવીર (ડાબે), બિપરજૉય વધુ શક્તિશાળી બની રહ્યું છે ત્યારે માછીમારો અરબી સમુદ્રમાં સાહસ નથી કરી રહ્યા, વસઈમાં કાંઠેથી પણ વધુ સલામત સ્થળે પોતાની બોટ લઈ જઈ રહેલો માછીમાર. (તસવીર : પી.ટી.આઇ.)

જો સાઇક્લૉનની દિશા અને તાકાત યથાવત્ રહેશે તો ૧૩ જૂને પોરબંદર અને નલિયા વચ્ચે ટકરાવાની શક્યતા  : સૌરાષ્ટ્ર અને દ​િક્ષણ ગુજરાતનાં તમામ પોર્ટ પર અતિ ભયજનક સાઇન દર્શાવતું બે નંબરનું સિગ્નલ મુકાયું

અરબી સમુદ્રમાં લો ડિપ્રેશનને કારણે સર્જાયેલા બિપરજૉય સાઇક્લૉનને લીધે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતા ૪૮ કલાક દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ઊભી થઈ છે તો સાથોસાથ ભારે પવનની પણ અસર દેખાશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ અત્યારે માત્ર ૪૮ કલાકની આગાહી આપે છે, પરંતુ એક હકીકત એ પણ છે કે બિપરજૉયની અસર છેક બુધવાર સુધી દેખાશે અને બુધવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેશે. જોકે વાવાઝોડાની દિશા ન બદલાઈ કે તાકાત ઓછી ન થઈ તો પોરબંદરથી નલિયા વચ્ચે ૧૩ જૂન સુધીમાં બિપરજૉય ટકરાઈ શકવાની શક્યતા પણ છે.

સામાન્ય રીતે ગુજરાતમાં મૉન્સૂન ૧પ જૂનથી શરૂ થતું હોય છે, પણ આ વર્ષે બિપરજૉયના કારણે એ ચોમાસું ઓછામાં ઓછું એક વીક પાછળ જાય એવી શક્યતા પણ દર્શાવવામાં આવી છે.

દરિયો ભારે કરન્ટ સાથે

બિપરજૉયને કારણે સૌરાષ્ટ્રનાં તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે, જે સૂચવે છે કે દરિયામાં ભારે તાકાત સાથે મોજાં ઊછળશે અને અતિ પવનને લીધે દરિયામાં કરન્ટ રહેશે. બિપરજૉયને લીધે ગુજરાતનાં બાર પોર્ટ પર અત્યારે તમામ પ્રકારનો વહીવટ બંધ કરી દેવામાં આવ્યો છે તો સોમનાથ, દ્વારકા, પોરબંદર, નવલખી, મુંદ્રા જેવા વિસ્તારોમાં દરિયાકિનારે જવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.

બિપરજૉય હજી સાઇક્લૉનમાં પરિવર્તિત થયું નથી, પણ એ આગામી બારથી અઢાર કલાકમાં સાઇક્લૉનમાં કન્વર્ટ થાય એવી સંભાવના હોવાથી ગુજરાત સરકારે સૌરાષ્ટ્રમાં નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ૨૬ ટીમને તહેનાત કરી રાખી છે તો તમામ સિનિયર ઑફિસરોની રજાઓ પણ કૅન્સલ કરી નાખવામાં આવી છે. બિપરજૉયને કારણે ગઈ કાલે રાતે ગુજરાત સરકારનું સચિવાલય રાતના સમયે પણ ચાલુ રહ્યું હતું અને હવામાન વિભાગ તથા સ્થાનિક અધિકારીઓ સાથે વિચારવિમર્શ સાથે પળેપળની વિગતો મગાવતું રહ્યું હતું.

*****

Weather Update gujarat gujarat news Rashmin Shah