લૉકડાઉન વચ્ચે પણ સુરતમાં ખમણ અને લોચા માટે લાંબી લાઇનો લાગે છે

31 March, 2020 03:02 PM IST  |  Surat | Agencies

લૉકડાઉન વચ્ચે પણ સુરતમાં ખમણ અને લોચા માટે લાંબી લાઇનો લાગે છે

ફાઈલ ફોટો

સુરતી લોકો ખાવાપીવા માટે ખૂબ જાણીતા છે. કહેવત પણ છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. કોઈ પણ પરિસ્થિતિ હોય સુરતીઓને લોચા અને ખમણથી દૂર રાખી શકાતા નથી. એટલે કે લૉકડાઉન વચ્ચે પણ સુરતીઓ પોતાના પ્રિય ખમણ અને લોચા માટે સવારે લાઇનો લગાવે છે. હાલ કોરોના વાઇરસને કારણે ૨૧ દિવસનું લૉકડાઉન ચાલે છે ત્યારે સરકારે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. જોકે લૉકડાઉન વચ્ચે પણ સવાર પડતાંની સાથે જ સુરતીઓને ખમણ યાદ આવે છે. ભૂતકાળમાં પણ પ્લેગ અને પૂર જેવી મહામારી વખતે પણ લોકો ખમણ અને લોચાની મિજબાની કરતા જોવા મળ્યા હતા.

હાલ કોરોનાને લઈને જે રીતે લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે સુરતના કોટ વિસ્તારમાં ઘરમાં કેટલાક લોકો ખમણ અને લોચો બનાવી રહ્યા છે, જેના લેવા માટે લોકો વહેલી સવારથી લઈને લાઇનો લગાવી દે છે. ખાણીપીણી માટે શોખીન સુરતીઓની રવિવારની સવાર ખમણ અને ફાફડા વગરની હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. સુરતમાં અત્યાર સુધીમાં સંખ્યાબંધ આફત આવી ચૂકી છે પછી એ પ્લેગ હોય કે કોમી તોફાનો બાદના કરફ્યુ. આ તમામ સંકટમાં પણ સુરતીઓ ખમણ મેળવીને ઝાપટી જ લેતા હોય છે. કોરોના વાઇરસ ચેપને કારણે એકથી બીજા વ્યક્તિમાં ફેલાઈ રહ્યો છે ત્યારે સુરતીઓ માથે ટોપી અને મોઢે માસ્ક પહેરીને કોટ વિસ્તારમાં ખમણ લેવા માટે લાઇનોમાં ઊભા રહી જાય છે.

gujarat surat coronavirus covid19