કોરોના ઇફેક્ટ : મુખ્ય પ્રધાનના ૩૧ માર્ચ સુધીના તમામ કાર્યક્રમો રદ

15 March, 2020 11:12 AM IST  |  Gandhinagar

કોરોના ઇફેક્ટ : મુખ્ય પ્રધાનના ૩૧ માર્ચ સુધીના તમામ કાર્યક્રમો રદ

વિજય રૂપાણી

કોરોના વાઇરસથી ભારતમાં બે મોત થયા બાદ હવે ગુજરાત સરકાર પણ સતર્ક થઈ રહી છે. જોકે ગુજરાતમાં હજી સુધી કોરોના વાઇરસનો એક પણ દરદી નોંધાયો નથી તેમ છતાં ગુજરાતમાં કોરોના વાઇરસને પ્રવેશતા અટકાવવા માટે શક્ય તમામ પ્રયાસો ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે કે કોરોના વાઇરસને લઈ સાવચેતીના ભાગરૂપે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પોતાના આગામી દિવસોના જાહેર કાર્યક્રમો કૅન્સલ કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના વાઇરસથી સાવચેતીના ભાગરૂપે સીએમ વિજય રૂપાણી કોઈ જાહેર કાર્યક્રમોમાં હાજર નહીં રહે. મુખ્ય પ્રધાન સાથે કે સરકાર સાથે જોડાયેલ કોઈ સરકારી કાર્યક્રમોમાં પણ મુખ્ય પ્રધાન નહીં જાય. સાવધાનીરૂપે ૩૧ માર્ચ સુધીના મુખ્ય પ્રધાનના શેડ્યુલના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. સંબંધિત અધિકારીઓ, પ્રધાનો અને વિભાગો પણ જાહેર કાર્યક્રમો ન યોજે એ સૂચના આપવામાં આવી છે.

ગુજરાત સરકાર પણ સતર્કતા દાખવીને અનેક પગલાં લઈ રહી છે. કોરોના વાઇરસના પગલે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ સતર્કમાં આવી ગયું છે. આ મામલે મોટો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. એક જગ્યાએ વધુ સમય માટે લોકો એકઠા ન થાય એટલા માટે કૉન્ફરન્સ, વર્કશૉપ અને સેમિનાર ન યોજવાનો આદેશ કરાયો છે. ૩૧ માર્ચ સુધી રાજ્ય સરકારના તમામ વિભાગો દ્વારા કૉન્ફરન્સ, સેમિનાર કે વર્કશૉપ ન યોજવા આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ આદેશ કર્યો છે. કોરોના વાઇરસને પગલે રાજ્યની જેલોમાં પણ સાવચેતી રાખવા સૂચના આપી દેવાઈ છે.

gandhinagar coronavirus Vijay Rupani