નરેન્દ્ર મોદીને બચાવવા માટે ઊભું કરાયું હતું શાહ કમિશનનું તરકટ

05 October, 2012 05:11 AM IST  | 

નરેન્દ્ર મોદીને બચાવવા માટે ઊભું કરાયું હતું શાહ કમિશનનું તરકટ



શૈલેશ નાયક


અમદાવાદ, તા. ૫

ગુજરાતની બીજેપી સરકાર દ્વારા ઉદ્યોગોને પાણીને મૂલે જમીનો અપાઈ હોવાના આક્ષેપોની તપાસ કરવા માટે રચાયેલા જસ્ટિસ એમ. બી. શાહ કમિશને એના અહેવાલમાં મોદી સરકારને ક્લીન-ચિટ આપી છે ત્યારે ગઈ કાલે ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ અજુર્ન મોઢવાડિયાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘જસ્ટિસ એમ. બી. શાહ કમિશનનો ઉપયોગ ગુજરાતના મુખ્ય પ્રધાને માત્ર ભ્રષ્ટાચારમાં ક્લીન-ચિટ મેળવવા કર્યો છે. આ તપાસ કમિશન નહીં પણ મોદી બચાવ કમિશન હતું.’

મોઢવાડિયાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘બીજેપી સરકારનાં ૧૭ કૌભાંડની તપાસ માટે  સરકારે રચેલા શાહ કમિશને વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય એના થોડાક કલાક પહેલાં જ પોતાનો અહેવાલ આપી મોદી સરકારને ક્લીન-ચિટ આપી હતી. ઇલેક્શન કમિશનર ચૂંટણીની તારીખની જાહેરાત કરવાના છે એવી ખબર પડતાં રાતોરાત અહેવાલ આવી ગયો હતો અને કૅબિનેટ સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યો હતો. જસ્ટિસ શાહને એવી કઈ મજબૂરી હતી કે છેલ્લા દિવસે રિપોર્ટ આપી દીધો?’

મોઢવાડિયાએ દાવો કર્યો હતો કે ‘ગાંધીનગરની આસપાસ રાહેજા બિલ્ડર્સ, ડીએલએફ ફાઉન્ડેશન, પુરી ફાઉન્ડેશન, સત્યમ કમ્પ્યુટર્સ, તાતા કન્સલ્ટન્સી સર્વિસ અને ઍક્વાલાઇન પ્રૉપર્ટીઝને સસ્તા ભાવે જમીનો અપાઈ છે તો કચ્છમાં અદાણીને ચૉકલેટના ભાવે જમીનો આપી છે. ખરેખર તો મુખ્ય પ્રધાન પ્રસાદિયા ભગત છે અને મોટા ઉદ્યોગપતિઓએ ખૂબ મોટી પ્રસાદી આપી છે. શાહ કમિશનને આ બધું નિયમ મુજબ થયું છે એવું દેખાય છે.’

બીજેપી = ભારતીય જનતા પાર્ટી