ગુજરાતની કંપનીઓમાં એંસી ટકા નોકરીઓ માત્ર ગુજરાતીને

18 September, 2012 06:30 AM IST  | 

ગુજરાતની કંપનીઓમાં એંસી ટકા નોકરીઓ માત્ર ગુજરાતીને



એકસાથે ચૂંટણીઢંઢેરો જાહેર કરી રહેલી ગુજરાત કૉન્ગ્રેસે ગઈ કાલે પોતાનો ઇલેક્શન મૅનિફેસ્ટોનો સાતમો એપિસોડ જાહેર કર્યો હતો, જેમાં આ વખતે પાર્ટીએ ગુજરાતના યુથને ધ્યાનમાં રાખીને વચનો આપ્યાં હતાં. કુલ અપાયેલાં બાવીસ વચનોમાંથી સૌથી મહત્વનું પ્રૉમિસ એ હતું કે જો ગુજરાતમાં કૉન્ગ્રેસની સરકાર આવશે તો ગુજરાતમાં કાર્યરત એવી બહારની તમામ કંપનીઓ માટે નિયમ બનાવવામાં આવશે કે એમણે પોતાની ફૅક્ટરીના સ્ટાફમાંથી ૮૦ ટકા સ્ટાફ સ્થાનિક લોકોને લઈને પૂરો કરવાનો રહેશે. આ નિયમ માત્ર નવી આવતી કંપનીઓને જ નહીં, દસકાઓથી ગુજરાતમાં પ્લાન્ટ કે ઑફિસ ધરાવતી રિલાયન્સ અને તાતા જૂથની કંપનીઓને પણ લાગુ પડશે. ગુજરાત કૉન્ગ્રેસના પ્રમુખ અજુર્ન મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘આજે માંડ બેથી ચાર ટકા લોકોને લોકલ સ્ટાફ તરીકે લેવામાં આવે છે, જે ગુજરાતના યુવાનો માટે અન્યાય છે. નરેન્દ્ર મોદીએ યુવાનોના હકના ભોગે પોતાની સત્તાલાલસા પૂરી કરી છે, જેનો જવાબ આ વખતે તેમને ઇલેક્શનના રિઝલ્ટમાં જોવા મળી જશે.’

ગઈ કાલની લહાણીમાં કૉન્ગ્રેસે એવું પણ વચન આપ્યું હતું કે ગ્રૅજ્યુએશન પૂરું કરનારા યુવાનોને સરકાર તરફથી ટૅબ્લેટ કમ્પ્યુટર આપવામાં આવશે. એની સાથોસાથ દર વષ્ોર્ સરકાર પોતે એક લાખના હિસાબે પાંચ વર્ષમાં પાંચ લાખ યુવાનોને નોકરી આપશે. ઑફ-બીટ પ્રકારનો બિઝનેસ કરવા માગતા કે ઑન્ટ્રપ્રનરને ગુજરાત સરકાર તરફથી ટોકન દરે ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ભાડા પર જગ્યા આપવાથી માંડીને યુવાનો ઍિગ્રકલ્ચર તરફ વળે એ માટે મૉડર્ન જનરેશનની કહેવાય એવી ચાર ઍગ્રો યુનિવર્સિટી પણ શરૂ કરવાનું વચન કૉન્ગ્રેસે ગઈ કાલે આપ્યું હતું.