કૉન્ગ્રેસ મૅનિફેસ્ટો: અગાઉ બાર હપ્તામાં જાહેર કરેલાં વચનો રિપીટ

05 December, 2012 06:58 AM IST  | 

કૉન્ગ્રેસ મૅનિફેસ્ટો: અગાઉ બાર હપ્તામાં જાહેર કરેલાં વચનો રિપીટ


ગુજરાતમાં નરેન્દ્ર મોદી ખુશ થાય એવું ગઈ કાલે ગુજરાત કૉન્ગ્રેસે કર્યું. અગાઉ બાર અઠવાડિયાં સુધી દર વીકના એક એમ કુલ બાર હપ્તામાં પોતાનો મૅનિફેસ્ટો જાહેર કરીને સાવ નવી જ રીત અપનાવનારી કૉન્ગ્રેસે બીજેપીના મૅનિફેસ્ટોની પાછળ ફરીથી પોતાનો એ જ મૅનિફેસ્ટો જાહેર કર્યો, જે અગાઉ એ જાહેર કરી ચૂકી હતી. ગઈ કાલે જાહેર કરવામાં આવેલા એ મૅનિફેસ્ટોમાં એક પણ વચન એવું નહોતું કે જે અગાઉ કૉન્ગ્રેસ જાહેર ન કર્યું હોય.

કૉન્ગ્રેસે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર શહેરોમાંથી એકસાથે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યોર્ હતો. રાજકોટમાંથી શંકરસિંહ વાઘેલાએ તો અમદાવાદમાં અજુર્ન મોઢવાડિયા અને દિલ્હીના મુખ્ય પ્રધાન શિલા દિક્ષિતે કૉૅન્ગ્રેસનો મૅનિફેસ્ટો બહાર પાડ્યો હતો.

અમે ચાળા નથી પાડ્યા : કૉન્ગ્રેસ

કોઈ નવું વચન નહીં હોવાથી મૅનિફેસ્ટો જાહેર કરવાની કૉન્ગ્રેસને કોઈ જરૂરિયાત નહોતી અને એમ છતાં પણ બીજેપીની ચાલે ચાલવાની આ જે કોઈ રીત અપનાવવામાં આવી એની સહેજ પણ સમજ ગુજરાતના લોકોને પડી નહોતી. ગુજરાત કૉન્ગ્રેસના સિનિયર નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ‘આમાં અમે કોઈના ચાળા નથી પાડ્યા કે કોઈની ચાળે નથી ચાલ્યા. દર અઠવાડિયે મૅનિફેસ્ટોનો કોઈ એક મુદ્દો જાહેર કરવાની અમારી એક સ્ટાઇલ હતી. હવે એ બધા મુદ્દા ભેગા કરીને આખો મૅનિફેસ્ટો જાહેર કરવો એ ઇલેક્શનની એક સ્ટાઇલ છે. ફિલ્મ આવે એ પહેલાં ચાલીસ ટ્રેલર આવે પણ એ બધાં ટ્રેલર પછી આખી ફિલ્મ તો આવે જને.’

ઢંઢેરામાં કુલ ૧૯૦ વચનો

ગઈ કાલે જાહેર કરવામાં આવેલા કૉન્ગ્રેસના મૅનિફેસ્ટોમાં અલગ-અલગ ૧૫ મુદ્દાઓ સાથે કુલ ૧૯૦ વચનો આપવામાં આવ્યાં હતાં. જેમાં સ્ટુન્ડટ્સને લૅપટૉપ આપવાથી માંડીને રિક્ષા અને ટ્રક ડ્રાઇવર માટે વીમા યોજના, મહિલાઓ માટે ઘરનું ઘર યોજના, ગ્રામ પંચાયત સ્તરે મહિલાઓને મફત પ્લૉટ, દરેક ઘરને પ્રથમ ૫૦ યુનિટ સુધી ફ્રી ઇલેક્ટ્રિસિટી, પેટ્રોલ-ડીઝલના વૅટમાં ઘટાડો, ખેતી માટે સોળ કલાક વીજળી જેવી જાહેરાતો કરવામાં આવી હતી.

ટનાટન સરકારનો ટાઇમ આવ્યો : બાપુ

૧૯૯૬માં જ્યારે ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાની રાષ્ટ્રીય જનતા પાર્ટી(રાજપા) સરકારની રચના થઈ હતી ત્યારે શંકરસિંહ વાઘેલાએ પોતાની સરકારને ‘ટનાટન સરકાર’ નામ આપ્યું હતું. ગઈ કાલે મૅનિફેસ્ટો જાહેર થયા પછી પહેલી વખત શંકરસિંહ વાઘેલાએ આ શબ્દ યાદ કર્યો હતો અને કહ્યું હતું કે ‘હવે મોદીનો સમય પૂરો થયો છે અને કૉન્ગ્રેસની ટનાટન સરકારનો સમય આવી ગયો છે. આ ટનાટન સરકાર વચન એવાં આપશે કે જે પૂરાં થવાનાં હોય. ત્રણ લાખ કરોડમાં કેટલાં મીંડાં હોય એ પૂછવા જવું પડે એવું અમે કંઈ નહીં કરીએ કે કહીએ.’