અમદાવાદ : કોંગી કોર્પોરેટરો હેલ્મેટ પહેરી સામાન્ય સભામાં પ્રવેશ્યા

22 December, 2011 08:09 AM IST  | 

અમદાવાદ : કોંગી કોર્પોરેટરો હેલ્મેટ પહેરી સામાન્ય સભામાં પ્રવેશ્યા



અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ગઈ કાલે મળેલી સામાન્ય સભામાં બીજેપીના કૉર્પોરેટરોથી બચવા કૉન્ગ્રેસના મહિલા સહિતના ૩૮ કૉર્પોરેટરો માથે હેલ્મેટ પહેરીને હૉલમાં આવતાં આશ્વર્ય ફેલાયું હતું. ભારતમાં કદાચ પહેલી વાર કોઈ કૉર્પોરેશનમાં કૉર્પોરેટરોએ હેલ્મેટ પહેરીને સામાન્ય સભામાં ઉપસ્થિત રહીને અનોખો વિરોધ કયોર્ હોય એવી આ પ્રથમ ઘટના બની હોવાનો દાવો કૉન્ગ્રેસે કર્યો છે.

મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિરોધપક્ષના નેતા બદરુદ્દીન શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીજેપીના કૉર્પોરેટરોએ અગાઉની બેઠકમાં ધમાલ મચાવીને પાણીની બૉટલો ફેંકતાં કૉન્ગ્રેસનાં એક મહિલા કૉર્પોરેટર ઘવાયાં હતાં તેમ જ મારી ઑફિસમાં આવીને ધમાલ કરતાં કૉન્ગ્રેસના એક કૉર્પોરેટરને વાગ્યું હોવાથી ર્બોડની સભામાં સલામતીના ભાગરૂપે હેલ્મેટ પહેરીને જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અગાઉ મળેલી ર્બોડની સામાન્ય સભામાં કૉન્ગ્રેસના સભ્યો પર બે-ત્રણ વાર અટૅક થયા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ગઈ કાલે મળેલી સામાન્ય સભામાં કૉન્ગ્રેસના તમામ કૉર્પોરેટરો હેલ્મેટ પહેરીને હૉલમાં દાખલ થતાં ભારે રમૂજ ફેલાઈ હતી. કૉર્પોરેટરોએ પહેરેલી હેલ્મેટ નવીનક્કોર અને ચકાચક હોવાથી એ ચર્ચાનો મુદ્દો બની હતી અને આટલા જથ્થામાં નવી હેલ્મેટ આવી ક્યાંથી એ વિશે ભારે પૂછપરછ થઈ હતી. જોકે કૉન્ગ્રેસ દ્વારા જ હેલ્મેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. સભામાં હેલ્મેટ પહેરીને હાજર રહેલા કૉન્ગ્રેસના કૉર્પોરેટરો પૈકી મોટા ભાગના કૉર્પોરેટરોએ પછીથી હેલ્મેટ કાઢી નાખી હતી.