નરેન્દ્ર મોદીની પ્રેસ-કૉન્ફરન્સમાં પત્રકાર બનીને ઘૂસી ગયા ખેડૂતો

29 July, 2012 04:23 AM IST  | 

નરેન્દ્ર મોદીની પ્રેસ-કૉન્ફરન્સમાં પત્રકાર બનીને ઘૂસી ગયા ખેડૂતો

જપાનથી પાછા આવેલા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સાથેના ડેલિગેશનની ટૂર કેવી રહી એ સંદર્ભે ગઈ કાલે અમદાવાદમાં રાખવામાં આવેલી પ્રેસ-કૉન્ફરન્સમાં ખોટા પત્રકાર બનીને ઘૂસી આવેલા કેટલાક ખેડૂતો અને કિસાન સંઘના કાર્યકરોએ ચાલુ કૉન્ફરન્સે ઊભા થઈ નારેબાજી કરીને જપાન ટૂર વાહિયાત છે એવો સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. આ પ્રેસ-કૉન્ફરન્સમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના હતા, પણ ગઈ કાલે વહેલી સવારે આવ્યા પછી તરત જ મીટિંગમાં બિઝી થઈ ગયા હોવાથી તેઓ હાજર નહોતા રહી શક્યા એટલે એ દૃષ્ટિએ ખેડૂત અને કિસાન સંઘનો વિરોધ ફિયાસ્કો પુરવાર થયો હતો. જોકે કિસાન સંઘના ગુજરાતના સેક્રેટરી મગનભાઈ પટેલે કહ્યું હતું કે ‘અમારો વિરોધ શરૂ થયો ત્યારે ત્યાં નિરમા, કૅડિલા, અદાણી અને રિલાયન્સના અધિકારીઓ હાજર હતા. એ બધા સુધી અમારો સંદેશો પહોંચ્યો એ પણ ઘણું છે.’

અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે આવેલા જીએમડીસી ભવનમાં રાખવામાં આવેલી આ પ્રેસ-કૉન્ફરન્સમાં અજાણ્યા શખ્સો કેવી રીતે દાખલ થયા અને તેમની સાથે મિડિયાહાઉસ સંકળાયેલું હતું કે નહીં એની તપાસનો ઑર્ડર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

જપાનથી આવતાં જ થઈ ગયા બિઝી

ગઈ કાલે વહેલી સવારે જપાનથી આવ્યા પછી મોદી તરત જ ગુજરાત પર મંડરાઈ રહેલા દુષ્કાળ માટેની મીટિંગમાં વ્યસ્ત થઈ ગયા હતા. ગઈ કાલે એક દિવસમાં તેમણે ગૃહમંત્રાલય, કૃિષમંત્રાલય, પાણી પુરવઠા વિભાગ અને હવામાન વિભાગ એમ અલગ-અલગ ચાર વિભાગના સિનિયર અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. આ જ કારણસર તેઓ ગઈ કાલે સાંજે અમદાવાદમાં રાખવામાં આવેલી પ્રેસ-કૉન્ફરન્સમાં હાજર નહોતા રહી શક્યા. આજે રવિવાર હોવા છતાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ અધિકારીઓની રજા કૅન્સલ કરી છે અને તમામ મંત્રાલય ચાલુ રાખવાનો ઑર્ડર કર્યો છે.