ગડકરી સામે હવે રાજકોટમાં પણ કેસ

12 November, 2012 03:43 AM IST  | 

ગડકરી સામે હવે રાજકોટમાં પણ કેસ



સ્વામી વિવેકાનંદના બુદ્ધિઆંકની સરખામણી દુનિયાના સૌથી વધુ ક્રૂર અને ભારતના સૌથી મોટા દુશ્મન એવા દાઉદ ઇબ્રાહિમ સાથે કરવાની ભૂલ કરનારા બીજેપીના પ્રેસિડન્ટ નીતિન ગડકરી સામે જામનગરની ચીફ કોર્ટમાં ધાર્મિક લાગણી દુભાવવા બદલ ફરિયાદ થયા પછી બુધવારે રાજકોટની ચીફ કોર્ટમાં પણ આઇપીસી કલમ ૨૯૫ (એ), ૨૯૮ અને કલમ ૩૪ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટના ઍડવોકેટ અશોકસિંહ વાઘેલાએ પોતાની આ ફરિયાદમાં ગડકરી ઉપરાંત બીજેપીનાં રાષ્ટ્રીય પ્રવક્તા નિર્મલા સીતારામનને પણ મદદગારી કરવાના આરોપસર સામેલ કર્યા છે. ઍડવોકેટ અશોકસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ‘નીતિન ગડકરીએ સ્વામી વિવેકાનંદની આવી તુલનાથી જાહેરમાં માફી માગવી પડશે, જો માફી નહીં માગે તો અમે હિન્દુ સંગઠનો એક થઈને દેશભરના ગામેગામથી ગડકરી પર કેસ દાખલ કરાવીશું અને ગડકરીની સાથે નરેન્દ્ર મોદીનો પણ બહિષ્કાર કરીશું.’

આ ફરિયાદને આધારે રાજકોટની ચીફ જુડિશ્યલ કોર્ટે નીતિન ગડકરીને ૨૩ નવેમ્બરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. ગઈ કાલે રાજકોટમાં કેટલાક હિન્દુ કાર્યકર્તાઓએ એકઠા થઈને નીતિન ગડકરીનું પૂતળું પણ બાળ્યું હતું.