ગુજરાતમાં ટેલિફોન પર ટિપ્સનું તરકટ

15 December, 2011 10:14 AM IST  | 

ગુજરાતમાં ટેલિફોન પર ટિપ્સનું તરકટ



(વિશેષ લેખ - જયેશ ચિતલિયા)

‘લોભિયા હોય ત્યાં  ધુતારા ભૂખે ન મરે’ એ કહેવતને અત્યારે શૅરબજાર-કૉમોડિટી બજારમાં અમદાવાદ-ગુજરાતના લોકો સાચી સાબિત કરી રહ્યા છે. આ બન્ને કૅટેગરીના માણસો અહીં હાજર છે અને છેલ્લા કેટલાક સમયથી એક પક્ષ બીજા પક્ષને ધૂતી રહ્યો છે. નવાઈની વાત એ છે કે આ જાળમાં નિયમિત ધોરણે અનેક લોકો ફસાઈ રહ્યા હોવા છતાં બધું બેફામ અને બેધડક ચાલે છે. ટૂંકા ગાળામાં કમાવાની ટિપ્સના નામે ચાલતા આ તરકટમાં અત્યાર સુધી ઘણા લોકો ભોગ બની ચૂક્યા છે. અત્યારે શૅરબજારની હાલત કફોડી હોવાથી કૉમોડિટીઝના સોદાઓને વધુ ટાર્ગેટ કરવામાં આવે છે. આમ પણ હવે ગુજરાતમાં કૉમોડિટીઝ તરફનો ઝોક વધી રહ્યો છે.

આ બજારનાં જાણકાર સાધનોની માહિતી અનુસાર અહીં કેટલાક લેભાગુ લોકોની ટોળકી રોકાણકારોને ટેલિફોન પર ટિપ્સ આપવાની ઑફર કરે છે, જેમાં કયા શૅરો ખરીદવા, કઈ કૉમોડિટીમાં શું કૉલ લેવો, શેમાં લેણ કે વેચાણનો સટ્ટો કરવો વગેરે જેવી ટિપ્સ આપવામાં આવે છે. આ ટિપ્સ લેનારને નુકસાન નહીં થાય એવી ખાતરી આપવામાં આવે છે અને નફામાં તેમની સાથે પોતાની ભાગીદારી રાખવામાં આવે છે. પહેલા સોદામાં નફો થાય તો ટિપ્સ આપનાર એમાં નફાનાં પચાસ ટકા નાણાં લઈ લે છે, જ્યારે બીજા સોદામાં નફા પર ૨૫ ટકા હિસ્સો લેવામાં આવે છે. આ નફાનાં નાણાં ટિપ્સ આપનારના બૅન્ક-અકાઉન્ટમાં સીધાં જમા કરાવી દેવાની સૂચના હોય છે, પણ જો નુકસાન થયું તો આ ધુતારાઓ હાથ લગાડતા નથી. તેઓ પછી એ રોકાણકારોના ફોન જ ઉપાડતા નથી.

આ ટિપ્સ આપવાની પ્રવૃત્તિ તેઓ બે-ત્રણ હજાર રૂપિયાના પગારમાં યુવતીઓને રોકીને માત્ર ટેલિ-કૉલ દ્વારા ચલાવે છે, તેઓ પોતે સામે આવતા નથી તેમ જ પોતાની ઑફિસનું સરનામું પણ નથી આપતા. એમ છતાં લોકો આવા ધુતારાઓની વાતોમાં આવી જઈ સોદા કરી નાખે છે, કેમ કે અમુક સોદા સાચા પડે એટલે તેમનો વિશ્વાસ ઊભો થાય છે, જ્યારે કે નુકસાન જવા પર રોકાણકારો માથું કૂટે છે, કિંતુ આ નુકસાન માટે તેની સાથે કોઈ ભાગીદારી કરતું નથી.

સાધનો આ કૌભાંડની કાર્યપદ્ધતિ વિશે વધુ માહિતી આપતાં જણાવે છે કે આ કૌભાંડકારીઓ માત્ર ટેલિફોન મારફતે જ પોતાની ટિપ્સની સર્વિસ ઑફર કરે છે, જેમાં રોજના સેંકડો કૉલ કરવામાં આવે છે. આ જાળમાં કમસે કમ રોજના પાંચથી દસ જણ સહજેય આવી જાય છે. ધારો કે કોઈ નફો કર્યા બાદ તેની ફી જમા ન કરાવે તો આ ટિપ્સ તેને ફરી નથી મળતી, પરંતુ હાર્યો જુગારી જ બમણું રમે એ જરૂરી નથી, બલ્કે જીત્યો મૂરખ પણ બમણું રમે એમ બને. એથી લાલચમાં આવા જૂના-નવા બકરા આવતા રહે છે.

કૉમોડિટીઝમાં વધુ ફસામણી

અત્યારે શૅરબજારની હાલત સારી નહીં હોવાથી બહુ મોટો વર્ગ કૉમોડિટીઝ તરફ વધુ વળી રહ્યો છે, ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા અમુક સમયમાં લોકો જમીનમાં ચિક્કાર કમાયા છે. આ કમાણીનાં નાણાં તેઓ અત્યાર સુધી શૅરોમાં વધુ લગાડતા હતા, જેમાં પણ ખાસ કરીને આઇપીઓ (ઇનિશ્યલ પબ્લિક ઑફર)માં વધુ રોકાણ કરવામાં આવતું. એમાં પણ ધબડકા પર ધબડકા જોઈ હવે છેલ્લા કેટલાક સમયથી સટોડિયાઓ કૉમોડિટીઝ તરફ વધુ ખેંચાતા રહ્યા છે. આમાં કૉમોડિટીઝ વાયદાના ગેરકાનૂની સોદાઓ (ડબ્બા ટ્રેડિંગ)માં પણ ફસાનારાની સંખ્યા વધતી રહી છે. ટિપ્સ કલ્ચરના નામે ફસામણી તો દુકાળમાં અધિક મહિના સમાન છે.

એકના ત્રણ લાખમાં ફસાતા લોકો

ગુજરાતમાં અત્યારે એકના ત્રણની નવી રમત જોરમાં છે, આ રમતમાં ચોક્કસ ગઠિયાઓ ઇન્વેસ્ટરો પાસેથી ગોલ્ડમાં રોકાણને નામે એક લાખનો ચેક લઈને એક વરસમાં એના ત્રણ લાખ કરવાની ખાતરી આપી રોકાણ કરનારને પોસ્ટ-ડેટેડ ચેક પણ આપી દે છે, જેને લીધે અનેક લોકો આ જાળમાં ફસાવા લાગ્યા છે. તાજેતરમાં આવી ત્રણથી ચાર પાર્ટીઓએ હાથ ઊંચા કરી રોકાણકારોને રાતે પાણીએ રડાવ્યા છે. જોકે ઇન્વેસ્ટમેન્ટ સાધનોની અદલાબદલી કે પછી નાણાં ખેંચવાની કાર્યપદ્ધતિમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવતા રહે છે.