તમામ એજન્સીઓ અલર્ટ, રાજ્યની બૉર્ડર પર સુરક્ષા સઘનઃ વિજય રૂપાણી

31 August, 2019 07:42 AM IST  |  ભૂજ

તમામ એજન્સીઓ અલર્ટ, રાજ્યની બૉર્ડર પર સુરક્ષા સઘનઃ વિજય રૂપાણી

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

 મુખ્ય મંત્રી વિજય રૂપાણી શુક્રવારે કચ્છમાં મેઘોત્સવ મનાવવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અલર્ટને પગલે તમામ એજન્સીએ અલર્ટ છે. ગુજરાતની તમામ બૉર્ડર પર સઘન સુરક્ષા છે. કચ્છ સરહદી જિલ્લો છે, હાઈ અલર્ટના સંદર્ભમાં સેન્સિટિવ છે. રાજ્ય સરકારે આની ગંભીરતા લઈને બધાં પૂરતાં પગલાં લીધાં છે. બધું હાઈ અલર્ટ પર છે. દરમિયાન કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્ર સાથે સવારે બેઠક કરી હતી અને તંત્ર દ્વારા તૈયાર કરાયેલા ‘અછત વ્યવસ્થાપન માર્ગદર્શિકા’ પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું.

આ પુસ્તકમાં અછતને લગતી તમામ આંકડાકીય માહિતી સાથે કચ્છમાં છેલ્લાં ૧૦ વર્ષના વરસાદી આંકડાઓ, ઢોરવાડા, ઘાસચારાની વિગતો, પાંજરાપોળ, ઘાસકાર્ડ વિતરણની કામગીરી, સબસિડીને લગતા આંકડા જેવી તમામ બાબતોને આવરી લઈ અછતનો સમગ્ર ચિતાર રજૂ કરાયો છે. લોકાર્પણ બાદ સ્વામિનારાયણ મંદિર-ભુજ ખાતે કચ્છમાં કારમા દુકાળ દરમિયાન તેમના નેતૃત્વમાં તંત્રએ ઘાસપાણીની સુચારુ વ્યવસ્થા કરી એ બદલ તેમનું જાહેર અભિવાદન કર્યું હતું. કચ્છમાં થયેલા શ્રીકાર વરસાદને પગલે સ્થાનિક પરંપરા મુજબ મેઘલાડુનો ઉત્સવ પણ ઊજવાયો હતો.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કચ્છ જિલ્લામાં તાજેતરમાં થયેલા વરસાદનેપગલે નિવારણ પામેલી અછતની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને કચ્છને અછતમુકત જિલ્લો જાહેર કર્યો હતો. મુખ્ય મંત્રીએ ૧૨૧ ચેકડૅમો બનાવવા બદલ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રની સરાહના કરી હતી. ઉલ્લેખનીય છે કે ‘મનરેગા’ યોજના અન્વયે ચાલુ વર્ષે આ ૧૨૧ ચેકડૅમો બનાવાયા છે, જે તમામ ચાલુ વર્ષના વરસાદથી ભરાઈ ગયા છે.

આ પણ વાંચોઃ જાણો ક્યાં છે હરામી નાળું, શા માટે તે છે આટલું સંવેદનશીલ?

કચ્છની જનતાની લાગણી સાથે જોડાયેલા હમીરસર તળાવ અને રુદ્રમાતા ડૅમને નર્મદાનીરથી ભરવાની રાજ્ય સરકારની વિચારણા મુખ્ય મંત્રીએ આ બેઠકમાં દોહરાવી હતી.

kutch rann of kutch Vijay Rupani Gujarat BJP