અમદાવાદમાં ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે ધાબાં ભાડે મળશે

31 December, 2014 03:44 AM IST  | 

અમદાવાદમાં ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે ધાબાં ભાડે મળશે




પહેલી વાર અમદાવાદમાં ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે ધાબાં ભાડે મળશે, જેમની પાસે ધાબું નથી અથવા તો જેમને ફ્રેન્ડ્સ અને ફૅમિલી સાથે મળીને પતંગ ચગાવવા છે, પણ ટેરેસ નથી તેમના માટે અમદાવાદમાં રહેતા બે કઝિન અને તેમની ફ્રેન્ડે ભેગાં મળીને www.myterrace.in વેબસાઇટ શરૂ કરી, જેમાં અમદાવાદમાં ૬૦ નાગરિકોએ તેમનું ટેરેસ રેન્ટ ઉપર આપવા માટે વેબસાઇટ પર ઑફર મૂકી છે. હજુ તો પંદરેક દિવસ પહેલાં શરૂ થયેલા આ અનોખા કન્સેપ્ટને સામેથી ઇન્ક્વાયરી આવવા માંડી છે.

ઉત્તરાણયના પર્વને લઈને અમદાવાદમાં ભારે ક્રેઝ રહે છે. દેશ-વિદેશમાંથી પતંગરસિયાઓ પતંગ ચગાવવા માટે આવે છે, પરંતુ પતંગરસિયાઓ માટે ટેરેસનો પ્રૉબ્લેમ હોય છે. અમદાવાદમાં ઘણા એવા ફ્લૅટ છે કે જ્યાં બહુ બધા રહેવાસીઓ પતંગ ચગાવવા ટેરેસ ઉપર આવતા હોવાથી ટેરેસ પર ભીડભાડ થઈ જતાં પતંગ ચગાવવાની મજા આવતી નથી, પરંતુ હવે આવા પતંગરસિયાઓની ચિંતા દૂર થઈ છે. 

વેબસાઇટ શરૂ કરનાર ફાઇન આર્ટ્સની સ્ટુડન્ટ્સ ક્રિના પ્રજાપતિએ ‘મિડ-ડે’ને કહ્યું, ‘અમદાવાદમાં આવું ફર્સ્ટ ટાઇમ થઈ રહ્યું છે. અમે પતંગરસિયાઓ અને પોતાનું ટેરેસ રેન્ટ પર આપવા માગતા નાગરિકો વચ્ચે આ વેબસાઇટ દ્વારા એક પ્લૅટફૉર્મ પૂરું પાડ્યું છે. આ સાઇટ શરૂ કરતાં પહેલાં મારો કઝિન જેનિલ માલવિયા અને મારી ફ્રેન્ડ હર્ષા ચૌધરી અમદાવાદની જુદી-જુદી પોળમાં ફયાર઼્ હતાં અને તપાસ કરી માહિતી મેળવી હતી.’

દરેક ટેરેસ, એનો વિસ્તાર અને એમાં કેટલા માણસો સમાઈ શકે છે એ પ્રમાણે રેન્ટ જે–તે ઓનરે નક્કી કર્યા છે. હાલમાં વેબસાઇટ ઉપર જે વ્યક્તિઓએ તેમનાં ટેરેસ ઉત્તરાયણમાં રેન્ટ ઉપર આપવા માગે છે તેઓએ બે હજારથી લઈને ૨૫ હજાર સુધીનાં રેન્ટ રાખ્યાં છે. અમદાવાદના કોટ વિસ્તારની પોળો, પાલડી, ઘાટલોડિયા, રાણીપ, નારણપુરા, નવરંગપુરા સહિતના વિસ્તારના નાગરિકોએ તેમનાં ટેરેસ ઉત્તરાયણમાં રેન્ટ ઉપર આપવા વેબસાઇટમાં ઑફર મૂકી છે.