ચાંદની બળાત્કાર-હત્યાકેસના બન્ને આરોપીઓને ફાંસી

29 December, 2011 05:29 AM IST  | 

ચાંદની બળાત્કાર-હત્યાકેસના બન્ને આરોપીઓને ફાંસી



જુનાગઢ: ૨૦૦૭ની ૧૩ મેએ જૂનાગઢના પવિત્ર ગિરનારની દાતાર ટૂંક પરથી દર્શન કરીને પાછી આવી રહેલી કોળી જ્ઞાતિની ચાંદની વીંઝવાડિયા અને તેની બહેનપણી જાહ્નવી પટેલ (નામ બદલ્યું છે) પર બળાત્કાર કરવાના પ્રયાસ અને પછી એ નિષ્ફળ જતાં ચાંદનીની હત્યા અને જાહ્નવીને બેફામ માર મારવાના ગુના હેઠળ પકડાયેલા મોહન હમીર અને મહેશ ચૌહાણને ગઈ કાલે જૂનાગઢની સેશન્સ ર્કોટે ફાંસીની સજા સંભળાવી હતી. ઘટના બન્યા પછી બન્ને આરોપીઓને પકડવા અને સોળ વર્ષની ચાંદનીની તરફેણમાં સૌરાષ્ટ્રમાં થયેલાં તોફાનોને ધ્યાનમાં રાખીને જૂનાગઢ ર્કોટના ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ જી. એન. પટેલે આ ચુકાદો આપ્યો હતો. ચુકાદા પછી ચાંદનીના પપ્પા રામજી વીંઝવાડિયાએ કહ્યું હતું કે ‘જજસાહેબે ચાંદનીનાં વખાણ કરતાં કહ્યું હતું કે છોકરીઓએ જે રીતે વિરોધ કર્યો એને ધ્યાનમાં રાખીને પણ આ કેસમાં કડક સજા આપવી જરૂરી છે. જજસાહેબે એવું પણ કહ્યું

હતું કે ધર્મસ્થળે આવી ઘટના ન બનવી જોઈએ, પણ આવું બન્યું છે એટલે હવે કોઈ આ પ્રકારનું કૃત્ય ન કરે એ માટે પણ આ કેસમાં આકરી સજા જ બરાબર છે.’

ચાંદની અને જાહ્નવીને અધપગથિયે મોહન અને મહેશે ઉપાડી લેતાં બન્નેએ દેકારો મચાવી દીધો હતો. બળાત્કાર કરવાનો બદઇરાદો પૂરો થાય એવું ન લાગતાં અને બન્ને પકડાઈ જઈશું એવો ડર લાગતાં મોહન-મહેશે ચાંદની અને જાહ્નવીને મરણતોલ માર માર્યો હતો, જેમાં ચાંદનીનું મોત થયું હતું અને જાહ્નવીને માથાના ભાગમાં ગંભીર ઈજા થતાં તેને અઢી મહિના સુધી જૂનાગઢની હૉસ્પિટલમાં રાખવામાં આવી હતી. ઘટના પછી મોહન અને મહેશ

ભાગી ગયા હતા, જેને કારણે સૌરાષ્ટ્રભરમાં ત્રણ દિવસ સુધી પોલીસ વિરુદ્ધ તોફાનો થયાં હતાં. ગુજરાત સરકારે પ્રવક્તાને મોકલીને આરોપી  પકડાશે એવું વચન ચાંદની-જાહ્નવીનાં મમ્મી-પપ્પાને આપ્યું ત્યારે આ તોફાન અટક્યાં હતાં. મહેશ ચૌહાણ ઘટનાના એક વર્ષ પછી પકડાયો હતો, જ્યારે મોહન હમીર પોણાબે વર્ષ પછી મુંબઈના બોરીવલીમાંથી પકડાયો હતો.

માનતા ફળી

ભગવાનશ્રી દાતારના પ્રગાઢ ભક્ત એવાં ચાંદનીનાં મા-બાપે આરોપીઓને ફાંસી ન થાય ત્યાં સુધી ઘરમાં ભગવાનને દીવો નહીં કરવાની કે મંદિરે દર્શન કરવા નહીં જવાની માનતા લીધી હતી